///

રાજધાની દિલ્હીના તાપમાનમાં આજે થોડી રાહત, આ રાજ્યમાં પડશે ભારે ઠંડી

દેશનાં ઘણાં હિસ્સાઓમાં પારો શૂન્યની નીચે જઇ ચુક્યો છે. તેવામાં કેટલાંક વિસ્તારમાં શીતલહરનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન ખાતા (IMD)એ ઉત્તર પ્રદેશ અને બિહારનાં ઘણાં જિલ્લામાં આકરી ઠંડી પડી રહી હોવાનું જણાવ્યું છે. તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થઆનમાં હાલમાં ઠંડીથી સોમવારે થોડી રાહત મળવાની સંભાવના છે.

ઉત્તર ભારતમાં રવિવારે ઠંડીનો પ્રકોપ ચાલુ જ હતો. જમ્મૂ-કશ્મીર અને હિમાચલ પ્રદેશનાં મોટાભાગનાં સ્થાનો પર તાપમાન શૂન્યથી નીચે જતુ રહ્યું હતું. તો દિલ્હીમાં હાલમાં હવામાન સૌથી ન્યૂનતમ નોંધાયું હતું. ભારત હવામાન ખાતા (IMD) અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી ગયુ હતું.

IMD તરફથી જણાવવામાં આવ્યું છે કે, બરફથી ઢંકાયેલાં હિમાલયી ક્ષેત્રથી ચાલતી બરફીલી હવાઓને કારણે દિલ્હી શહેરમાં ઠંડીનો પ્રકોપ સતત જોવા મળી રહ્યો છે. હવામાન ખાતા અનુસાર, આગામી પાંચથી છ દિવસ સુધી દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન આશરે 5 ડિગ્રી સેલ્સિયસ રહે તેવું અનુમાન છે.

કશ્મીરનાં વિભિન્ન સ્થાનો પર ન્યૂનતમ તાપમાનમાં રવિવારે થોડો સુધારો જોવા મળ્યો હતો. જોકે ઘાટીમાં રાતનાં સમયે પારો શૂન્યથી નીચે જતો રહ્યો હતો. હવામાન ખાતાનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ, ઠંડકનાં કારણે ઘાટીનાં ઘણાં વિસ્તારમાં પાણીની લાઇન અને જળાશયમાં પાણી જામી ગયુ છે. આ મહિનાનાં અંત સુધી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય તેવી શક્યતાઓ નથી. જ્યારે કશ્મીરનાં કેટલાંક સ્થાનો પર સોમવારે હળવી બરફ વર્ષા થઇ શકે છે.

હિમાચલનાં પર્વતીય ક્ષેત્રમાં શીત લહેરો ચાલી રહી છે અને ઘણાં સ્થળોનું તાપમાન શૂન્યની નીચે જતુ રહ્યું છે. શિમલા હવામાન ખાતાનાં નિર્દેશકનાં જણાવ્યાં અનુસાર, લાહોલ-સ્પીતિનાં પ્રશાસનિક કેન્દ્ર કેલાંગ રાજ્યમાં સૌથી ઠંડુ સ્થાન છે. જ્યાં તાપમાન શૂન્યથી 11 ડિગ્રી સેલ્સિયસ ઓછુ દાખલ થયુ છે.

પંજાબ અને હરિયાણામાં ગત થોડા દિવસોથી શીત લહેરનો પ્રકોપ ચાલુ છે અને હવામાન ખાતા અનુસાર આદમપુરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયુ છે જે શુન્ય ડિગ્રી સેલ્સિયસ છે. હરિયાણામાં નારનૌલા સૌથી ઠંડુ સ્થાન રહ્યું જ્યાંનું ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે.

રાજસ્થાનનાં મોટાભાગનાં વિસ્તારમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે. ગત શનિવારે રાત્રે ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબૂમાં શૂન્યથી 1.5 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. મૌસમ વિભાગે આગામી 48 કલાકમાં રાજસ્થાનનાં મોટાભાગમાં ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને સોમવારનાં રાજ્યમાં શીતલહેરથી રાહત મળવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published.