////

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદને 10 વર્ષની જેલ

ભારતને હચમચાવી દેનારા મુંબઈના 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને પાકિસ્તાનની અદાલત દ્વારા 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

પાકિસ્તાનની પાકિસ્તાનની અદાલતે હાફિઝ સઇદની સાથે ઝફર ઇકબાલ, યાહયા મુઝાહિદને પણ 10-10 વર્ષની જેલ કરી છે. જ્યારે હફિઝના અન્ય સાથી અબ્દુલ રહેમાન મક્કીને સાડા 10 વર્ષની સજા કરી છે. આ આતંકીઓને ટેરર ફન્ડિંગ સહિત બે કેસોમાં સજા સંભળાવાઇ છે. હાફિઝ સઇદ અત્યારે પણ આતંકીઓને ફંડિંગના એક કેસમાં લાહોરની જેલમાં 15 વર્ષની સજા ભોગવી રહ્યો છે. તેની ગત જુલાઇમાં ધરપકડ કરવામાં આવી હતી. સઇદને આ વર્ષે અલગ અલગ કેસોમાં ચોથી વખત સજા સંભળાવવામાં આવી છે.

તાજેતરમાં જ હાફિઝ સઇદના સંબંધી સહિત જમાત ઉદ દાવાના અન્ય બે નેતાઓને પણ પાકિસ્તાનની અદાલતે 1થી 32 વર્ષની સજા કરી હતી. તે કેસમાં આતંકી સંગઠનના પ્રવક્તા યાહ્યા મુજાહિદને 32 વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે પ્રોફેસર ઝફર ઇકબાલને 16 અને પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીને એક વર્ષની જેલ કરી હતી. આ ત્રણેયના આજે પણ અન્ય કેસમાં સજા થઇ છે. અબ્દુલ રહેમાન મક્કી હાફિઝ સઇદનો સંબંધી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અમેરિકા દ્વારા હાફિઝ સઈદને વૈશ્વિક આતંકી જાહેર કરાયો છે. તેના માથે 10 મિલિયન ડોલરનું ઇનામ છે. હાફિઝને ગત વર્ષે જુલાઇમાં આંતરરાષ્ટ્રીય દબાવમાં આતંકીઓને નાણા ફન્ડિંગના મામલે પાકિસ્તાને ધરપકડ કરી હતી. મળેલ માહિતી મુજબ હાફિઝ સઇદ સામે આતંકીઓને નાણા ફન્ડિંગ, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર જમીનો પચાવવા સહિત 29 કેસ ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા પણ જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદ અને તેના સાગરીતોને પાકિસ્તાની અદાલતે ફેબ્રુઆરીમાં આતંકવાદને ફંડિંગ આપવાના કેસમાં 11 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જમાત-ઉદ-દાવા એ લશ્કર-એ-તોઇબાનું ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન છે.

વર્ષ 2008માં મુંબઈ હુમલામાં તે મોસ્ટ વોન્ટેડ આતંકી ગણાય છે. આ હુમલામાં 10 આતંકીઓએ 166 નાગરિકોના જીવ લીધા હતા તેમજ સેંકડો લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.