////

અમદાવાદમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ બંધ

અમદાવાદમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બહારથી આવતા મુસાફરોના કોરોના ટેસ્ટિંગ માટે અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશને વિશાળકાય ડોમ બનાવ્યો હતો. જેમાં દરેક મુસાફરોના કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ દરમિયાન અનેક મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારે હવે આ ડોમ બંધ કરી દેવામાં આવતા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો ઉભો થયો છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સરકારે પોતાના રાજ્યમાં આવતા તમામ લોકો માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. જેમાં વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હશે, તો જ તેને મહારાષ્ટ્રમાં પ્રવેશ મળે છે, ત્યારે અમદાવાદમાં અન્ય રાજ્યોના મુસાફરો પ્રવેશી રહ્યાં છે. જેના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી શકે છે.

અમદાવાદમાં વધતી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા ઓક્ટોબર મહિનામાં રેલવે સ્ટેશન ખાતે મ્યુન્સિપલ કોર્પોરેશને વિશાળ ડોમ ઉભો કરીને ટ્રેનમાં આવતા તમામ મુસાફરોના ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં AMC દ્વારા કુલ 61,199 મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 707 મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે જો આ મુસાફરોના ટેસ્ટ કર્યા વિના તેમને શહેરમાં પ્રવેશ આપી દેવામાં આવ્યા હોત, તો શહેરમાં કોરોનાની સ્થિતિ વધારે હાલ કરતા પણ વધુ ભયાનક થઈ શકે તેમ હતી.

અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રતિદિન 60 જેટલી ટ્રેનોની અવરજવર થાય છે. એવામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી બંધ કરાતા શહેરમાં કોરોનાની સ્થિતિ વધારે વકરે તેની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published.