///

નવસારી : ડાયબીટીસથી પીડિત 62 વર્ષીય મહિલાએ 10 દિવસમાં કોરોનાને હરાવ્યો

શહેરમાં કોરોનાની લહેર સામે જંગ જારી છે. કોવિડ સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોના જેમના માટે સૌથી વધુ જોખમકારક છે એવા ૪૫ થી ૬૦ વર્ષની વયજૂથના દર્દીઓએ કોરોનાને હરાવ્યો હોય એવા સંખ્યાબંધ કેસ ઉજાગર થયા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના સિનીયર સિટીઝન ૬૨ વર્ષીય હંસાબેન ઠાકોરભાઈ પટેલે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. ડાયાબિટીસથી પીડિત હંસાબેન નવી સિવિલમાં ૧૦ દિવસની સારવાર લઇ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યા ત્યારે પટેલ પરિવાર ખુશખુશાલ બન્યો હતો. દુબઈમાં રહેતા પુત્ર માટે આ પ્રસંગ અતિ આનંદદાયી બન્યો હતો.

સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા હંસાબેન જણાવે છે કે, તારીખ ૧૭ એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યા બાદ તારીખ ૧૮ નાં રોજ પરિવારના સભ્યો દ્વારા નવસારીની એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તબિયતમાં કોઇપણ સુધાર ન જણાયો હતો. ઓક્સિજન લેવલ પણ ઘટીને ૮૫-૮૯ થયું. ચિંતાતુર પરિવારે ૨૧ એપ્રિલના રોજ નવી સિવિલમાં દાખલ કરી. જ્યાં મને તારીખ ૨૧ થી ૨૫ એમ પાંચ દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવી હતી. શ્વાસ લેવામાં થોડી રાહત મળી હતી અને ત્યારબાદની આપવામાં આવેલી સારવારથી તબિયતમાં ઘણો સુધાર થયો. તારીખ ૨૬ એપ્રિલથી નોર્મલ રૂમમાં રાખી. મારા વહેલા સ્વસ્થ થવા પાછળ નવી સિવિલના તબીબો અને અન્ય સ્ટાફની મહેનત છે. હું એમની આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના મહામારી સામેનું યુદ્ધ જીતી છું.

નવી સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રીશ્યન વિભાગના તબીબ ડૉ.વિવેક ગર્ગ, ડૉ.હેમાંગિની પટેલ, ડૉ.આદિત્ય ભટ્ટ, ડૉ,સ્નેહા પુરોહિત, ડૉ.આકાશ સ્વેન, ડૉ.અનિરુદ્ધ રાજ દ્વારા જહેમતભરી યોગ્ય સારવાર કરવામાં આવી. જેથી તેઓ કોમોર્બિડ હોવા છતાં ૧૦ દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા.

Leave a Reply

Your email address will not be published.