///

પાકિસ્તાનના રાજદૂતે તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પોતાનો હિસ્સો ગણાવ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અનેકવાર ઈતિહાસ સાથે સંકળાયેલા ખોટા તથ્યો રજૂ કરીને ટ્રોલ થયા છે. ત્યારે હવે વિયતનામમાં પાકિસ્તાનના રાજદૂત કમર અબ્બાસ ખોખરે પ્રાચીન ભારતની શાન રહેલા તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પ્રાચીન પાકિસ્તાનનો હિસ્સો ગણાવી દીધો છે. સાથે જ તેમણે અર્થશાસ્ત્રના લેખક ચાણક્ય અને મહાન ભાષાવિદ પાણિનિને પણ પાકિસ્તાનના સંતાન ગણાવી દીધા છે. જો કે જે ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું તે વેરિફાઈડ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

ખોખરે ટ્વીટ કર્યું હતું કે, તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો એરિયલ વ્યૂ ફરીથી બનાવવામાં આવ્યો છે. તક્ષશિલા 2700 વર્ષ પહેલા પ્રાચીન પાકિસ્તાનમાં આજના ઈસ્લામાબાદના નજીક આવેલી હતી. 16 દેશોમાંથી 64 અલગ-અલગ વિષયોનો અભ્યાસ કરવા માટે 10,500થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવતા હતા. અહીં પાણિનિ જેવા વિદ્વાનોએ પણ અભ્યાસ કર્યો હતો. પાકિસ્તાનના રાજજૂતે વિશ્વના પ્રથમ ભાષાવિદ્દ પાણિનિ અને અર્થશાસ્ત્રી ચાણક્યને પણ પ્રાચીન પાકિસ્તાનના સંતાન હોવાનો દાવો કર્યો હતો. ખોખરે જે વીડિયો પોસ્ટ કર્યાં, તેમાં આવા જ તમામ ખોટા દાવા કરવામાં આવ્યા હતા.

હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની રાજદૂતના આ દાવા બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. આટલું જ નહીં ટ્વીટર પર #AncientPakistan ટૉપ ટ્રેન્ડ કરવા લાગ્યું. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, 14-15 ઓગસ્ટ પહેલા કોઈ પાકિસ્તાન જ નહતું. આથી પાકિસ્તાનના પ્રાચીન ઈતિહાસનો કોઈ સવાલ જ ઉભો નથી થતો.

અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, પ્રાચીન પાકિસ્તાન? પાકિસ્તાનનું અસ્તિત્વ 2700 વર્ષ પહેલા હતુ? એક વાત પાણિનિ સંસ્કૃતના વિદ્વાન હતા. તમે જે જણાવી રહ્યા છો તે, પ્રાચીન ભારતનો ઈતિહાસ છે. પાકિસ્તાનનો ઈતિહાસ 1947 પહેલાનો નથી. ઈસ્લામ પણ 1400 વર્ષ પહેલા જ અસ્તિત્વમાં આવ્યો. જ્યારે તક્ષશિલા 2700 વર્ષ પહેલા પણ હતી.

નોંધનીય છે કે, પાકિસ્તાનની સ્કૂલોમાં પણ ઈતિહાસ સાથે સંકળાયેલા ખોટા તથ્યો જ ભણાવવામાં આવે છે. એવામાં પાકિસ્તાની રાજદૂતના ખોટા દાવાથી નવાઈ પામવા જેવું નથી.

Leave a Reply

Your email address will not be published.