///

રાજ્યમાં ભારત બંધને ખેડૂત સંગઠનોનું મળ્યું સમર્થન

નવા કૃષિ કાયદાના વિરોધને લઈને ખેડૂતોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. ત્યારે છેલ્લા 12 દિવસોથી દિલ્હીમાં ધરણાં પર બેઠેલા ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે ખેડૂતોના આ બંધને રાજકીય પાર્ટીઓએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે, ત્યારે રાજ્યમાં પણ કેટલાક ખેડૂત સંગઠનોએ પોતાનું સમર્થન આપ્યું છે. રાજ્યમાં વેપારી સંગઠનો ઉપરાંત ગુજરાત કોંગ્રેસે પણ ભારત બંધને પોતાનો ટેકો જાહેર કરીને લોકોને બંધમાં જોડાવવા માટે અપીલ કરી છે.

ત્યારે આ ભારત બંધને સફળ બનાવવા માટે અમદાવાદમાં ખેડૂત આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં બંધને સફળ બનાવવા માટે રૂપરેખા નક્કી કરાઇ હતી. જ્યારે સુરતમાં પણ ખેડૂત સમાજની બેઠકમાં ભારત બંધને સમર્થન અપાયું હતુ. આ સિવાય 23 સંસ્થાઓએ પણ ભારત બંધને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

સાથે જ ભારત બંધને સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના APMC માર્કેટોએ બંધમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમરેલી, રાજકોટ, ગોડલ, ધ્રોલ, જસદણ, જૂનાગઢ, વિસાવદર, જામ ખંભાળિયા, હળવદ, ઉપલેટા, કાલાવડ અને જામનગર સહિતના શહેરોમાં આવેલા માર્કેટિંગ યાર્ડ બંધ પાળશે. જ્યારે મોરબી, વાંકાનેર, વિસનગર સહિતના શહેરોમાં વેપારીઓએ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ગુજરાત ખેડૂત સંગઠન, કિસાન ક્રાંતિ સંગઠન, ગુજરાત કોંગ્રેસ કિસાન સેલ, અન્નદાતા હિત રક્ષક સમિતિ, કિસાન એકતા સમિતિ સહિત કુલ 23 ખેડૂત સંગઠનોએ ભારત બંધને ટેકો જાહેર કર્યો છે. જ્યારે સુરતમાં પણ ટેક્સટાઇલ લેબર યુનિયન-ટેમ્પો એસોસિએશને બંધને સમર્થન આપ્યુ છે.

તો બીજી બાજુ ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ પોતાનો ટેકો જાહેર કર્યો છે. ભારત બંધને સફળ બનાવવા સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ નેતાઓની બેઠક મળી હતી. જેમાં તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવાની સૂચના અપાઈ હતી. આ સાથે જ પોલીસ સાથે ઘર્ષણમાં ના ઉતરવા માટે તાકીદ કરાઈ છે. આ સિવાય NCPએ પણ ભારત બંધને ટેકો આપીને પોતાના પાર્ટી કાર્યકર્તાઓને બજારો બંધ કરાવવા માટે સૂચના આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ બંધને ટેકો આપી રાજ્યભરમાં પ્રદર્શનનું આયોજન કર્યુ છે.

આ ઉપરાંત ભાજપ પ્રેરિત APMC, ભારતીય કિસાન સંઘ ઉપરાંત વેપારી મહામંડળોએ બંધથી અળગા રહેવા નક્કી કર્યુ છે. અમદાવાદના જમાલપુર, સાણંદ, બાવળા ,જેતલપુર ઉપરાંત ધોળકા APMCએ બંધને સમર્થન આપ્યુ નથી. આ સિવાય પેટ્રોલ પંપ એસોશિએસને પણ બંધમાં નહી જોડાવવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published.