કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવી છે. લોકડાઉનના પગલે લોકો ઘરથી બહાર નીકળી શકતા નથી. જેથી દેશના મોટા ભાગના ઉદ્યોગો બંઘ થઈ ગયા છે તો રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો છે. લોકડાઉનના કારણે લોકોને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ તેના ફાયદા પણ છે.લોકડાઉનના કારણે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોની હવા શુદ્ધ બની છે. હવાનું મોનિટરિંગ કરવા માટે ભારત સરકાર દ્વારા દિલ્હી, મુંબઈ, પુના, અમદાવાદ, અને સુરત જેવા શહેરોમાં એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જે સિસ્ટમથી જાણી શકાય છે કે સિટીની હવા કેટલી પ્રદૂષિત છે અને તેમાં કાર્બન ડાયોકસાઈડ, ઓઝોન અને નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું છે.
શહેરી વિસ્તારોમાં વાહન, ઉદ્યોગો, અને તેનાથી ફેલાતા પ્રદુષણના કારણે હવાનું પ્રદુષણ વધે છે.. મહત્વનું છે કે વર્તમાન સ્થિતિમાં વૃક્ષોની સંખ્યા ખૂબજ ઓછી થઈ ગઈ છે.. જેના કારણે દિન પ્રતિદિન હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. પરંતુ છેલ્લા સાત દિવસથી વાહન વ્યવહાર સહિત અન્ય ઉદ્યોગો બંધ થતા વાતાવરણ અતિ શુદ્ધ બન્યું છે. અમદાવાદ શહેરની હવામાં નોંધપાત્ર સુધારો થયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા અમદાવાદની હવામાં PM- 2.5 પ્રમાણે એર ક્વોલીટી ઈન્ડેક્સમાં 250થી 350 હતું ત્યારે હાલ એર ક્વોલીટી ઈન્ડેક્સમાં PM 2.5નું પ્રમાણ 45થી 30 વચ્ચે છે. તો આ બંન્ને આંકડાઓ વચ્ચેનો તફાવત સાબિત કરે છે કે અમદાવાદની હવા અતિ ષશુદ્ધ બની છે. તો હવા શુદ્ધ બનવાનું કારણ લોકડાઉન છે. જેથી કહી શકાય કે કોરોના પર્યાવરણ જગત માટે આશિર્વાદરૂપ બન્યું છે.