///

મોટા પ્રોજેક્ટના ફન્ડિંગ માટે બનશે નવી નેશનલ બેંક, શરુઆતમાં સરકાર આપશે 20 હજાર કરોડનું ફંડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટમાં એક નવી નેશનલ બેન્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને ફંડ કરવા માટે કામ કરશે. આ બેન્કને ‘વિકાસ નાણા સંસ્થા’ નામ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જાણકારી આપી કે સરકારે બજેટમાં એક એવી બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી, જેને હવે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

નાણા મંત્રી પ્રમાણે નાણા વિકાસ સંસ્થા દેશમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ આપવાનું કામ કરશે. સરકાર પ્રમાણે નવી સંસ્થાને ઝીરોથી શરૂ કરવામાં આવશે. હાલ એક બોર્ડની રચના કરવામાં આવશે, જે આગળ નિર્ણય લેશે. સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયાનું શરૂઆતી ફંડ આપવામાં આવશે.

પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી કે બેન્ક દ્વારા બોન્ડ જારી કરી તેમાં રોકાણ કરવામાં આવશે. આગામી કેટલાક વર્ષોમાં 3 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની આશા છે. તેમાં રોકાણ કરનારને ટેક્સમાં રાહત મળશે. તેમાં મોટા સોવરેન ફંડ, પેન્શન ફંડ રોકાણ કરી શકે છે.

પત્રકાર પરિષદમાં નાણામંત્રીએ માહિતી આપી કે કોઈ પણ જૂની બેન્ક આ પ્રકારના પ્રોજેક્ટમાં ફંડ કરવા તૈયાર નહતી. આશરે 6000 ગ્રીન બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ એવા છે, જેને ફન્ડિંગની જરૂર છે. આ કારણ છે કે આવા પ્રકારની સંસ્થાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પ્રમાણે બેન્કના બોર્ડ મેમ્બરમાં ક્ષેત્રના મોટા લોકોને સ્થાન આપવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં કહ્યુ કે, બધી બેન્કોનું ખાનગીકરણ થશે નહીં, અમે ઈચ્છીએ છીએ કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી બેન્ક યથાવત રહે. વિકાસ નાણા સંસ્થાને તે આશા સાથે બનાવવામાં આવી છે, જે માર્કેટની આશાને પણ પૂરી કરશે. જે બેન્કોનું ખાનગીકરણ થઈ રહ્યું છે, તેના કર્મચારીઓના અધિકારો અને ભવિષ્યનું ધ્યાન રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.