////

કેન્દ્ર સરકારે સ્વીકાર્યું – કોરોના વાઈરસ હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે

દેશમાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે, ત્યારે હવે કેન્દ્ર સરકારે સ્વીકારી લીધું કે, કોરોના વાઇરસ હવામાં 10 મીટર સુધી ફેલાઇ શકે છે. આ અંગે પહેલાંથી જ વિશ્વભરમાં અનેક સંશોધનો થયા હતી. વિશ્વ આરોગ્ય સંગઠને પણ હવામાં સંક્રમણ ફેલાવવાની વાત સ્વીકારી છે.

આ અગાઉ WHOએ હવામાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાના દાવાને સાચુ માન્યું નહતું. પરંતુ છેલ્લા એક વર્ષથી આ મામલે થઇ રહેલા અનેક રિસર્ચના પરિણામે આ વાત સાબિત થઇ છે.

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયમાંથી શુક્રવારે જારી કરાયેલી ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું કે, એરોસોલ અને ડ્રોપલેટસ કોરોના વાયરસ ફેલાવાના મુખ્ય બે કારણ છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ હવામાં બે મીટર સુધી જઈ શકે છે. જ્યારે એરોસોલ આ ડ્રોપલેટસને 10 મિટર સુધી આગળ લઇ જઇ શકે છે. જેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે.

સરકારી ગાઇડલાઇનમાં કોરોના વાઇરસને હવામાં ફેલાતા અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે. સાથે જારી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, સંક્રમિત વ્યક્તિના શ્વાસ છોડવાથી, બોલવાથી, હસવાથી અને ઉધરસ તેમજ છીંક ખાવાથી એરોસોલ સ્વરુપે જે લાળ અને નાકમાંથી જે પ્રવાહી નીકળે છે, તેમાં વાઇરસ પણ હોય છે. જે બીજાને ચેપ લગાડી શકે છે. તેથી કોઇ લક્ષણ વિનાની વ્યક્તિ પણ વાઇરસ ફેલાવી શકે છે.

સાથે જ એડવાઇઝરીમાં Stop the Transmission, Crush the Pandemic એટલે સંક્રમણ અટકાવો મહામારીને ખતમ કરો અને કોરોના વાઇરસને ફેલાતો રોકવા માસ્ક જરુરી, સ્વચ્છતા અને વેન્ટિલેશન નામથી સલાહ આપવામાં આવી છે.

ગાઇડલાઇન મુજબ વેન્ટિલેશનવાળા ઘરો, ઓફિસો અને સંક્રમિત હવાના વાયરલ લોડને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ વેન્ટિલેશન એકથી બીજા વ્યક્તિમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ ઘટાડે છે. એટલા માટે જ સંક્રમણની ચેઇન તોડવા કોવિડ પ્રોટોકોલનું પાલન બહુ જરૂરી છે. જેના ભાગરૂપે માસ્ક પહેરવા જોઈએ. હાથ ધોતા રહેવુ જોઈએ અને શક્ય હોય તેટલુ વધારે અંતર એક બીજાથી રાખવુ જોઈએ.

આ દરમિયાન તે બીજાને પણ સંક્રમિત કરી શકે છે. જેમનામાં લક્ષણ નથી દેખાતા તેવા લોકો પણ વાઇરસ ફેલાવી શકે છે. નવી ગાઈડલાઈન પ્રમાણે બંધ અને જ્યાં હવાની અવરજવર ઓછી હોય તેવા સ્થળોએ ડ્રોપલેટ અને એરોસોલના કારણે કોરોનાનુ સંક્રમણ ફેલાવાનુ જોખમ વધી જાય છે.

આ સિવાય ગાઈડલાઈનમાં એવી વસ્તુઓની અને સપાટીની નિયમિત પણે બ્લિચ અને ફિનાઈલથી સફાઈ કરવાની સલાહ અપાઈ છે જેના સંપર્કમાં લોકો વધારે આવતા હોય છે. જેમ કે દરવાજાનુ હેન્ડલ, લાઈટની સ્વિચ, ટેબલ ખુરશી. ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર વાયરસ લાંબા સમય સુધી જીવતા હોવાથી તેની નિયમિત સફાઇ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.