////

કોરોના મહામારીથી બચવા ટેસ્ટિંગમાં વધારો કરવાની કેન્દ્ર સરકારે રાજ્યોને આપી સલાહ

દેશમાં કોરોના વાઈરસ મહામારીનો કહેર વધી રહ્યો છે. ત્યારે ઉત્તર અને સેન્ટર ઈન્ડિયાના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવા લાગ્યું છે. જેને પગલે કેન્દ્ર સરકારે આવશ્યક પગલા ભરતાં 4 રાજ્યોમાં કોરોના પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય ટીમોને રવાના કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહામારીથી બચવા માટે ટેસ્ટિંગ વધારવાની સલાહ આપવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. જ્યાં 11 નવેમ્બરે રેકોર્ડ બ્રેક 8593 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 18 નવેમ્બરે રેકોર્ડ બ્રેક 131 સંક્રમિત દર્દીઓના મોત થયા હતા. તો મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જો કે દર 10 લાખ લોકો પર રાષ્ટ્રીય સરેરાશ 94,679 કરતાં ઓછા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.

તો બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાતા સંક્રમણને જોતા દેશમાં પણ પૂરતી તકેદારી દાખવવાની જરૂરત છે. ત્યારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવાની જરૂરત છે. આ સિવાય દરેક રાજ્યોએ મહામારીથી બચવા માટેના અન્ય ઉપાયોનું પણ સખ્તીથી પાલન કરવું પડશે.

નોંધનીય છે કે, હાલ સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં 1,40,25,713, બિહારમાં 1,00,99,322 અને તમિલનાડુમાં 95,17,507 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આજ પ્રકારે સૌથી ઓછા ટેસ્ટ સિક્કિમમાં 55,797, મેઘાલયમાં 57,707 અને મિઝોરમમાં 1,04,131 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.