દિવાળી દરમિયાન અમદાવાદ શહેરમાં નાગરિકોને ફટાકડા ફોડવા માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આ પરવાનગીમાં અનેક મર્યાદા રાખવામાં આવી છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડેલા જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, PESO એ સરકારની માન્યતા પ્રમાણેની કંપની છે અને તેને નક્કી કરેલા નિશાનવાળા જ બોક્સના ફટાકડા ફોડવાના છે. તે સિવાયના ફટાકડાના વેચાણ કે ફોડવા પર પ્રતિબંધ છે.
આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા વર્ષોથી ફટાકડાનું વેચાણ કરતાં 225 વેપારીઓ જોડાયેલાં છે. આ ઉપરાંત ચાલુ વર્ષે 21 નવી અરજી ફટાકડાના વેચાણ માટે આવી હતી. જેમાંથી 15ને જ પરવાનગી આપવામાં આવી હતી. હજુ 6 વેપારીઓની અરજી બાકી છે જેને પરવાનગી આપવામાં આવી નથી.
આ ઉપરાંત દિવાળી દરમિયાન રાતના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. વધુ અવાજ કરનારા અને ફટાકડાની લૂમ વહેચી કે ફોડી શકાશે નહીં. સાથે જ પ્રદૂષણ રોકવા PESOનું માર્કિંગ ફટાકડાના બોક્સ ઉપર ફરજિયાત હોવું જોઈએ. વિદેશી ફટાકડાના વેચાણ અને ફોડવા પર પણ પ્રતિબંધ, ઓનલાઈન વેબસાઈટ પર ફટાકડા વેચાણ પર પ્રતિબંધ, તો આગ લાગવાની સંભાવના હોય ત્યાં પણ ફટાકડા ફોડવા માટેની પરવાનગી આપવામાં આવી નથી.