////

મધ્ય પ્રદેશમાં 1 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા હોવાનો કોંગ્રેસ નેતાએ કર્યો દાવો

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે કોંગ્રેસ નેતા કમલનાથે કેન્દ્ર અને મધ્ય પ્રદેશ સરકાર પર કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે, માત્ર આ રાજ્યમાં જ બે મહિના દરમિયાન કોરોનાના કારણે એક લાખથી વધુ લોકો મોતને ભેટ્યાં છે.

કમલનાથે એક વીડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકારો સાથે ચર્ચામાં કહ્યું કે, કેન્દ્ર અને મધ્ય પ્રદેશની સરકાર બન્ને કોરોના સબંધી આંકડા છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે, તે વાસ્તવિક્તાથી ઘણાં દૂર છે.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓના સ્મશાનઘાટ અને કબ્રસ્તાનો થકી જે આંકડા એકત્ર કર્યાં છે. તે મુજબ માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેર દરમિયાન 1 લાખ 27 હજારથી વધુ મૃતદેહો સ્મશાન અને કબ્રસ્તાનમાં પહોંચ્યાં છે. જો તેમાંથી 80 ટકાના મૃત્યુ કોરોનાના કારણે થયા હોવાનું માની લઈએ તો, 1 લાખ 2 હજારથી વધુ લોકોને આ વાઈરસ ભરખી ચૂક્યો છે.

કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે, આ મામલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરવી જોઈએ. તેઓ કોરોના સબંધિત સાચા આંકડા જાહેર કરે અને તથ્યો સાથે પોતાની વાત રજૂ કરે. આજ રીતે કેન્દ્ર સરકારે પણ આ વર્ષની શરૂઆતમાં માની લીધુ હતું કે, કોરોના સમાપ્ત થઈ ગયો છે અને બીજી લહેર અંગેની ચેતવણીને નજર અંદાજ કરતાં હોસ્પિટલો, ઑક્સિજન, વેન્ટિલેટર જેવી સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવા તરફ ધ્યાન આપવામાં ના આવ્યું. આજ કારણ છે કે, બીજી લહેરે દેશમાં તબાહી મચાવી દીધી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેન્દ્ર સરકારની બેદરકારીના કારણે બીજી લહેર બાદ પણ મુશ્કેલી વધી છે. હવે લોકો બ્લેક ફંગસ તેમજ અન્ય બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. જો કેન્દ્ર અને મધ્ય પ્રદેશ સરકારે કોરોનાને ગંભીરતાથી લીધો હોત, તો આટલી ભયાનક સ્થિતિ ના સર્જાયી હોત.

જોકે મધ્ય પ્રદેશ સરકારે કમલનાથના આ દાવાને ભ્રમ ફેલાવતા ગણાવીને ખોટા ગણાવ્યાં છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી અને સરકારી પ્રવક્તા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, કમલનાથ આજે આધારભૂત તથ્યો વિના કહી દીધુ કે, છેલ્લા બે મહિનામાં 1,02,002 લોકો મધ્ય પ્રદેશમાં કોરોનાથી મર્યાં. તેમના જેવા વ્યક્તિ ભ્રમ ફેલાવે અને જૂઠ્ઠાણુ ચલાવે તે ચિંતાની વાત છે. તેઓ પોતાની પાસે રહેલા આંકડાને પુરાવા સાથે રજૂ કરે.

તેમણે કમલનાથ પર કટાક્ષમાં કહ્યું કે, મારું માનવું છે કે, 1984ના રમખાણો બાદ જે શીખોને મૃતદેહો તેમણે (કમલનાથે) ગણાવી હતી. તે બાદ તેમને મૃતદેહો ગણવાની આદત થઈ ગઈ છે. હવે તેમણે કોરોનાથી મરેલા લોકોના મૃતદેહો ગણવાની છે, તો તેના પુરાવા પણ મીડિયા સામે રજૂ કરવા જોઈએ. માત્ર વાતો ના કરવી જોઈએ. કમલનાથ કોઈ પુરાવા વિના આરોપ લગાવી રહ્યાં છે. હું રાજ્યપાલને માંગ કરું છુ કે, આ મામલે કમલનાથ પર 188 અંતર્ગત કેસ દાખલ કરે. જો તમે પુરાવા રજૂ કરશો, તો હું રાજીનામું આપી દઈશ.

Leave a Reply

Your email address will not be published.