/////

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ થયો ઘટાડો

પ્રતિકાત્મક તસ્વીર

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. તેમાં પણ ખાસ કરીને રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતાં 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 5 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં 257 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. અમદાવાદમાં ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે. ગત 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી 4683 કેસ નોંધાયા હતા જ્યારે 26 લોકોના મોત નિપજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 978 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 158 લોકોના મોત નિપજ્યાં છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર 146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 1,46,818 છે. જેમાંથી 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 4,40,276 લોકો સ્વસ્થ થયા છે તો આ મહામારીમાં અત્યાર સુધી 7508 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ 74.05 ટકા પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.