///

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે દેશનો સૌથી મોટો 24,000 કરોડનો સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો

નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશનએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રોની સાથે દેશનો સૌથી મોટો 24,000 કરોડનો સિવિલ કોન્ટ્રાક્ટ કરી લીધો છે. સાથે જ લાર્સન એન્ડ ટુબ્રોએ જણાવ્યું છે કે, તેણે કામ કરવા માટે લોકોને ગોઠવી દીધા છે.

ગુજરાતમાં NHSRCLએ 325 કિલોમીટરના કામ માટે લાર્સન એન્ડ ટુબ્રોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ આ યોજના માટે મહારાષ્ટ્રમાં જરૂરી જમીનની રાહ જોવાના બદલે ગુજરાતમાં પડનારા હિસ્સાનું કામ ઝડપથી પૂરું કરવા કહ્યું હતું.

આ અંગે દેશની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના એક હિસ્સાના બાંધકામ માટે 7,000 કરોડથી વધારે રકમનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપની આ રુટ પર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કામ શરૂ કરી દેશે. આ કામ નવેમ્બર 2024 સુધી પૂરું કરવામાં આવશે. આ રુટ પર સુરત સહિત ચાર સ્ટેશનો બનાવવામાં આવશે.

જેમાં સુરતનો મેઇન્ટેનન્સ ડેપો સામેલ છે. આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રો આ રુટ પર 14 રિવર બ્રિજ, 42 રોડ ક્રોસિંગ, છ રેલવે ક્રોસિંગ બનાવશે. ભરૂચ અને વડોદરા વચ્ચે 350 મીટર લાંબી પહાડી સુરંગ પણ બનાવવામાં આવશે. બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે દોડશે. તેમા હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત બુલેટ ટ્રેનના દરેક કોચને આગથી બચાવવા માટે ફાયર રેટેડ સ્લાઇડિંગ ડોર લગાવાશે. NHSRCLના અધિકારી મુજબ મુંબઈ-અમદાવાદ વચ્ચે 2024થી બુલેટ ટ્રેન શરૂ થવાની શક્યતા છે. આ રુટ પર પ્રતિ દિન 30 હજાર પ્રવાસીઓ પ્રવાસ ખેડશે તેવું અનુમાન લગાવાય છે.

Leave a Reply

Your email address will not be published.