/

કોર્ટે નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓની અરજી કરી મંજુર

હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુર્વ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં જામીન પર મુક્ત થયેલી બંને સંચાલિકાઓને ગુજરાત બહાર રહેવાની છૂટ લંબાવામાં આવે તેવી માગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. હાઈકોર્ટે પ્રાણપ્રિયા અને પ્રિયતત્વને કોરોના મહામારીને લીધે 31મી ડિસેમ્બર સુધી કર્ણાટકમાં રહેવાની રાહત આપી છે.

ગુજરાત હાઈકોર્ટમાં બંને સંચાલિકાઓ વતી એડવોકેટ પિયુષ લાખાણી અને નીલ લાખાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે બંને સંચાલિકા મૂળ કર્ણાટકની વતની છે અને અમદાવાદમાં કાયમી રહેઠાણ ધરાવતા ન હોવાથી કોરોના મહામારીમાં કાર્યવાહી માટે અમદાવાદમાં હાજર થવા મુદ્દે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. કોરોના મહામારીને લીધે ટ્રાયલ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી ક્યારે થશે તે નિશ્ચિત નથી ત્યારે અમદાવાદ જિલ્લા બહાર જવાની છૂટ લંબાવવાની દલીલને હાઈકોર્ટે માન્ય રાખી છે.

અગાઉ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓને ત્રણ માસ સુધી અમદાવાદ જિલ્લા બહાર જવાની છૂટ આપી હતી. આ ત્રણ માસનો સમયગાળો પૂર્ણ થતાં કોરોનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા બહાર રહેવાની છૂટ લંબાવવામાં આવે તેવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અગાઉ કોર્ટે આપેલા આદેશમાં બંને મહિલા સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વનાને દર મહિને એકવાર વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતે ત્રણ માસ સુધી કર્ણાટકમાં રહેવાની છૂટ આપી હતી.

નોંધનીય છે કે 7મી ફેબ્રુઆરી 2020ના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓના અમદાવાદ જિલ્લો ન છોડવાની શરતે જામીન મંજૂર કર્યા હતાં. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓની જામીનની શરતમાં ફેરફારને મંજૂરી આપી હતી.

નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરાતા કાર્યવાહીના ભાગરૂપે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.