///

કોર્ટે નિકિતા તોમર હત્યા કેસમાં આપ્યો મોટો ચુકાદો, તૌસીફ અને રેહાન દોષી જાહેર

દિલ્હી નજીક આવેલા ફરીદાબાદમાં નિકિતા તોમરની હત્યાના કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં ત્રણ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી તૌસિફ અને રેહાનને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. તેઓની સજા પર શુક્રવારે એટલે 26 માર્ચે ચર્ચા થશે. જ્યારે વધુ એક આરોપી અઝહરૂદ્દીને નિર્દોષ જાહેર કર્યો છે.

આ કેસમાં તૌસીફને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો, જ્યારે રેહાન ઘટનાસ્થળે તે સમયે સાથે હતો. જ્યારે અઝહરૂદ્દીન પર હથિયાર આપવાનો આરોપ હતો, જે સાબિત થયો નથી.

નોંધનીય છે કે, 26 ઓક્ટોબર 2020ના રોજ ફરીદાબાદના બલ્લભગઢમાં નિકિતા તોમરની કોલેજ બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં 55 સાક્ષીને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 બચાવ પક્ષના હતા. 1 ડિસેમ્બરે આ કેસનો ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં શરૂ થયો. આ કેસમાં ત્રણ પ્રત્યક્ષદર્શી પણ હતા. સાથે જ CCTV ફૂટેજ પણ ઉપલબ્ધ હતા.

આ હત્યાકાંડમાં પોલીસે 55 સાક્ષીઓને કોર્ટ સામે રજૂ કર્યા હતા. CCTV ફૂટેજને પુરાવા તરીકે રજૂ કર્યા હતા, જેમાં આરોપી તૌસીફ નિકિતા સાથે ઝગડો કરતો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ તેને ગોળી મારી હતી.

આ ઉપરાંત જે કારમાં બેસી તૌસીફ અને રેહાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે કારમાં તૌસીફના વાળ મળી આવ્યા હતા અને કારની બારી પર રેહાનની ફિંગરપ્રિન્ટ મળી આવી હતી. આ સાઇન્ટિફિક એવિડેન્સ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ સામે પ્રત્યક્ષદર્શિઓનું નિવેદન પણ રાખ્યું હતું.

નિકિતા તોમરને ગોળી મારનાર તૌસિફની કબૂલાત અને તૌસિફ સાથે હાજર આરોપી રેહાનની કબૂલાત પણ કોર્ટમાં ચર્ચા દરમિયાન રજૂ કરવામાં આવી હતી. તૌસિફને હથિયાર આપનાર અઝરુદ્દીનનું નિવેદન પણ કોર્ટમાં રજૂ કરાયું હતું, પોલીસે કોર્ટમાં ચર્ચા દરમિયાન ઘણા તકનીકી અને સાઇન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.