પશ્ચિમ બંગાળમાં ભાજપ કોઇ નામી વ્યક્તિની તલાસમાં છે. તેવામાં ભાજપે પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીનો સંપર્ક સાધ્યો હતો. કારણ રે સૌરવ ગાંગુલીની એક ક્રિકેટર તરીકે પશ્ચિમ બંગાળમાં લોકપ્રિયતા જોવા મળી રહી છે.
જોકે, ભાજપને આ પ્રયાસોથી મોટો ઝટકો લાગ્યો છે. સૌરવ ગાંગુલીએ રાજકારણમાં ઉતરવાનો ઇનકાર કર્યો છે. સૌરવ ગાંગુલીએ પોતાનો નિર્ણય ભાજપ હાઇ કમાન્ડને જણાવી દીધો છે. ગાંગુલીએ કહ્યું કે તે પોતાની ક્રિકેટની જવાબદારીઓ નીભાવવામાં વ્યસ્ત છે અને તેમાં જ ખુશ છે. કહેવામાં આવી રહ્યુ છે કે સૌરવ ગાંગુલીએ ભાજપ માટે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાનો પણ ઇનકાર કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે ગત બે વર્ષમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં મજબૂત થઇ છે. જેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 42માંથી 18 બેઠક પર જીત મેળવી હતી. આ સાથે જ વોટ શેર મામલે પણ સત્તાધારી ટીએમસીથી માત્ર 3 ટકા વોટ પાછળ રહી હતી.
જોકે, પશ્ચિમ બંગાળના રાજકારણમાં હજુ પણ સૌથી મોટી પાર્ટીના નેતા ટીએમસી ચીફ મમતા બેનરજી જ છે. મમતા બેનરજીની માસ અપીલ હોવાની સાથે જ લઘુમતી મતદારો પર પણ સારી એવી પકડ છે. તેવામાં વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીને ટક્કર આપવા માટે ભાજપને નામી નેતાની જરૂર છે.
બંગાળમાં ભાજપ નેતૃત્વની વાત કરીએ તો હજુ બે નેતા સૌથી આગળ જોવા મળી રહ્યા છે. જેમાં દિલીપ ઘોષ અને મુકુલ રોયનું નામ આવે છે. ભાજપ વિધાનસભા ચૂંટણી પહેલા આવા જ કોઇ નેતાની શોધમાં છે, જેને રાજ્યનો દરેક વર્ગ સ્વીકારે અને જે લોકપ્રિયતા મામલે મમતા બેનરજીને ટક્કર આપી શકે.
ભાજપ પણ આ જાણે છે કે વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનો ચહેરો એટલો લોકપ્રિય નહી રહે અને તે ચૂંટણીમાં લોકો સ્થાનિક નેતૃત્વને વધુ મહત્વ આપે છે. જોકે, સૌરવ ગાંગુલીના ઇનકારથી લાગી રહ્યુ છે કે ભાજપની આ મુશ્કેલી હલ થવાની નથી.