////

અમદાવાદમાં આજથી રાત્રિ કરર્ફ્યૂનો સમય બદલાયો, શનિ-રવિવારે મોલ સિનેમાગૃહ પણ રહેશે બંધ

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ-બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસ 1200ને પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે.

અમદાવાદ મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આજે રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આજે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યૂ રહેશે.

આ અંગે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજયના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા આઈ.એ.એસ.ના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ અન્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટ કરાયેલા ખાનગી કોવિડ-19 હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા તથા વેક્સિનેશન વગેરેને ધ્યાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

કોરોનાના વધતા જતા કેસના પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માગ ઉઠી હતી. ત્યારે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ છે. અહી 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ 8 મહાનગરોમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગર સિવાયના વિસ્તારમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ કરી છે અને નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરશે.

આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1276 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 899 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે અમદાવાદમાં 2 અને સુરતમાં 1 એમ કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,82,449 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,72,332 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.