////

કોરોનાના કેસ વધતા AMCએ લીધેલા નિર્ણયથી શહેરીજનોને ભારે હાલાકી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં અચાનત વધારો નોંધાયો છે, ત્યારે કેસમાં વધારો થતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી શાસકો દ્વારા અણધડ રીતે AMTS-BRTS બસો બંધ કરવાની સાથે શહેરના હેરિટેજ વોક ગાર્ડન, બાગ-બગીચાને પણ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ કોર્પોરેશન તંત્ર દ્વારા AMTS અને BRTSની જાહેર પરિવહન સેવાઓ બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો નિયમિત રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી બાજુ રિક્ષાચાલકો ભાડા વસૂલીમાં ખૂબ જ મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે રિક્ષાના ચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવી તગડું ભાડુ વસૂલ્યું હતું. રિક્ષા ચાલકોએ કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરીને રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર બેસાડ્યા હતા અને મીટર કરતાં બમણું ભાડૂ વસૂલ્યું હતું.

આ સિવાય વહીવટી તંત્ર દ્વારા નવો નિર્ણય ના લેવામાં આવે ત્યાં સુધી તમામ સેવાઓ, એક્ટિવિટીઝ, ગેમ ઝોન, ગાર્ડન હેરિટેજ વૉકને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત રાત્રિ કરફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જે પગલા લેવામાં આવ્યા છે? તે કેટલા કારગર નિવડશે.

મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ફરી લોકડાઉનને લાદવા જેવી પરિસ્થિતિ સર્જાવા જઈ રહી છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ લોકડાઉનની શક્યતાઓ નકારી છે.

Leave a Reply

Your email address will not be published.