////

છેલ્લા પાંચ મહિનાથી બંધ આ મંદિરને ખોલવા મામલે આજે લેવાશે નિર્ણય

દેશમાં કોરોનાનો હાહાકાર હજુ યથાવત છે, ત્યારે છેલ્લા પાંચ મહિનાથી બંધ રહેલા કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોને દર્શન માટેના પ્રવેશને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખોલવાના મામલે આજે નિર્ણય લેવાય શકે છે.

આજે સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરને ખોલવાના મામલે નિર્ણય કરવામાં આવી શકે છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આગામી શનિવારથી હનુમાન મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે બપોરે કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટ તેમજ આર્મીના અધિકારીઓ વચ્ચે મંદિરમાં ભક્તોને પ્રવેશને લઇને બેઠક યોજાવવાની છે.

નોંધનીય છે કે, આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારમાં આ મંદિર હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થઇ રહ્યો છે. જોકે આ અંગે ચેરીટી કમિશ્નર મંદિર ખોલવાનો આદેશ આપી ચૂક્યા છે. આ મંદિર કેમ્પસમાં એક જ સમયે માત્ર 200 લોકોને પ્રવેશ આપવામાં આવે તેવી રજુઆત પણ થઈ હતી, જેમાં ટ્રસ્ટીઓ તરફથી અને આર્મી તરફથી સહમતિ પણ મળી ગઈ છે. જે બાબતે આર્મીના કેન્દ્રમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી મંજૂરૂની રાહ જોવાઇ રહી છે. પરંતુ આ અંગે મંદિરના પૂજારીઓ તેમજ ટ્રસ્ટ્રીઓની વચ્ચે વિવાદ સર્જાયો છે. સાથે જ મંદિર ટ્રસ્ટ તરફથી કોરોનાના ગાઈડલાઈનના પાલન માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત એકસાથે મંદિરના કેમ્પસમાં 200 ભક્તો દર્શન કરી શકે અને જેમ જેમ ભક્તો બહાર જતા જાય તેમ તેમ બીજા ભક્તોને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી શકે છે. આ મંદિરની બહાર પણ ભક્તોની ભીડ ન થાય તે માટે પોલીસની મદદ પણ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.