///

પંજાબના ખેડૂતોનું દિલ્હી ચલો આંદોલન, પ્રદર્શનમાં છ માસનું રાશન સાથે લઈને આવશે

પંજાબના 30 ખેડૂત સંગઠનોએ 21 નવેમ્બરે માલગાડીઓ તેમજ પેસેન્જર ગાડીઓને ચાલવાની છૂટ આપી દીધી છે, ત્યારે 26-27 નવેમ્બરે ‘દિલ્હી કૂચ’ની તૈયારીઓ જોર-શોરમાં ચાલી રહી છે. જેમાં પંજાબનો દરેક વર્ગ ખેડૂતો સાથે ઉભેલો નજરે આવી રહ્યો છે. લોકો ખેડૂતોને દિલ્હીમાં પ્રદર્શન કરવા માટે ચંદો, દાળ-લોટ વગેરે આપી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ છ મહિનાનું રાશન ભેગું કરીને દિલ્હી જઈ રહ્યાં છે કેમ કે, તેમને પોતાને જ ખબર નથી કે, આ આંદોલન કેટલો લાંબો ચાલશે. ત્યારે પંજાબના ખેડૂતોને આશા છે કે, તેમની દિલ્હી કૂચ આંદોલન સફળ થશે અને તેઓ ખેડૂત વિરોધી કાયદો પરત લેવડાવવામાં સફળ રહશે. જ્યારે દિલ્હી પોલીસ અને પ્રશાસને ખેડૂતોને પ્રદર્શનની પરવાનગી આપી નથી.

આ આંદોલનને પગલે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે પંજાબ-હરિયાણા અને દિલ્હી-હરિયાણા બોર્ડર પર કડકાઇ દાખવવાની જાહેરાત કરી છે. પરંતુ પંજાબના ખેડૂતો પોતાના મક્કમ મનોબળને લઈને આશાવાદી છે. દિલ્હી કૂચ આંદોલનમાં મહિલાઓ, યુવાઓ અને બાળકો જોર-શોરથી ભાગ લઈ રહ્યાં છે. ખેડૂત યૂનિયનોના ઝંડા હેઠળ વિભિન્ન ગામડાઓમાં આંદોલન કરી રહેલી ખેડૂત મહિલાઓ દ્વારા દિલ્હી મોર્ચામાં સામૂહિકતા કરવા ઘરે-ઘર સંદેશો આપવામાં આવી રહ્યો છે. તેઓ કૃષિ કાયદાઓ અને મોદી સરકાર વિરૂદ્ધ નારા લગાવીને લોકોને ભેગા કરી રહ્યાં છે.

આ અંગે સંગરૂરના ખેડૂતે જણાવ્યું કે, ખેડૂત મહિલાઓ દ્વારા અમારા જિલ્લામાં ભાજપા નેતાઓના ઘરો સામે, રિલાયન્સ પમ્પો સામે અને ટોલ પ્લાઝા સામે ખુબ જ મોટા પ્રમાણમાં લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે. ભારતીય ખેડૂત સંઘ ઉગ્રહાનના વડા જોગિંદરસિંહ ઉગ્રહને જણાવ્યું હતું કે, તેમનું સંગઠન દસ જિલ્લાના 351 ગામની મહિલાઓને આંદોલનમાં જોડાવવા માટે ભેગી કરી છે. ખેડૂતોએ ધરણા માટે ટ્રેક્ટરની ટોલીઓને ઘરોમાં જ સજાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક ટ્રોલીમાં દાળ-આટો, શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પથારીઓ, પાણીની ટાંકીઓ, જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેડૂત નેતાએ કહ્યું કે, અમને જ્યાં રોકવામાં આવશે, ત્યાંજ ધરણા પર બેસી જઈશું. ગામડાઓમાં ગુરૂદ્વારોમાં સ્પીકરો દ્વારા સવાર-સાંજ દિલ્હી આંદોલનમાં ભાગ લેવા માટે એનાઉસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. યુવાઓ પોત-પોતાના ગામમાં રેશન, ઈંધણ અને અન્ય જરૂરી વસ્તુઓ ભેગી કરી રહ્યાં છે.

ભારતીય ખેડૂત યૂનિયનના માંઝા વિસ્તારના નેતા અશોક ભારતીનું કહેવું છે કે, દિલ્હી કૂચને લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો સામે ચાલીને ચંદો અને રાશન આપી રહ્યાં છે. ભારતીય ખેડૂત યૂનિયનના પ્રધાન બલબીર સિંહે કહ્યું, દિલ્હી ચલો આંદોલન દુનિયામાં નવો ઈતિહાસ રચશે. મોદી સરકાર હવે એવા કાયદાઓ બનાવવાના શરૂ કરી દીધા છે, જેનાથી બધુ જ કોર્પોરેટ ગૃહોને વેચવામાં આવી રહ્યું છે. 26 નવેમ્બરે પંજાબ, હરિયાણા, યૂપી, રાજસ્થાન અને દેશના વિભિન્ન રાજ્યોથી ખેડૂત લાખોની સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરશે.

ત્યારે આ અંગે કેન્દ્ર સરકારે ખેડૂતોને બીજી વાર મીટિંગ કરવા માટે 3 ડિસેમ્બરનો સમય આપ્યો છે, પરંતુ ખેડૂતોએ આ અંગેનો પાક્કો ઈરાદો કરેલો છે કે, તેઓ 26 નવેમ્બરથી દિલ્હીમાં ધરણા જરૂર શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published.