////

કોવિડ રસીકરણની પૂર્વતૈયારી રૂપે ડેટાબેઝ તૈયાર કરવા આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો

રાજ્યમાં કોવીડની રસી આવે કે તરત જ સરળતાથી રસીકરણ શરૂ કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે સચોટ ડેટા બેઝ તૈયાર કરવા આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો છે. જેમાં વડોદરા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ વ્યાપક કાર્ય આયોજન કરી શરૂ કરવામાં આવેલા સર્વેમાં આરોગ્ય ઉપરાંત શિક્ષણ, મહેસૂલ અને બાળ વિકાસ સહિતના ગ્રામ સ્તરના કર્મચારીઓનો સહયોગ મળી રહેતા, આ કામગીરી જિલ્લા પ્રશાસનના સામૂહિક અભિયાન જેવી બની ગઈ છે.

આ ઉપરાંત મતદાન માટેના બુથ પ્રમાણે, પ્રત્યેક બુથ માટે એક સર્વે ટીમ બનાવવામાં આવી છે, જે બુથ હેઠળના તમામ મતદારોની ઘર મુલાકાત લઈને જરૂરી માહિતી ની નોંધ કરી રહી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટે જણાવ્યું કે, તાલુકા કક્ષાએ મામલતદાર અને પ્રાંત અધિકારીઓ દ્વારા આ કામગીરીનું સંકલન કલેકટરની સૂચના પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. પ્રત્યેક બે કર્મચારીની બનેલી એક એવી 1310 ટીમો તા.13મી સુધી જાણકારી એકત્રિત કરશે.

આ સર્વે હેઠળ જેમની ઉંમર તા.1/1/2021 ના રોજ 50 વર્ષથી વધુ થતી હોય તેવા તમામ લોકોની અને જેમની ઉંમર 50 થી ઓછી હોય પરંતુ કો મોરબીડ ગણાતી ડાયાબિટીસ, બીપી, કેન્સર, કિડની હૃદયની બીમારીથી પીડિત હોય તેમના નામ, સરનામા, ઉંમર, હયાત બિમારીઓ, ઓળખનો પુરાવો જેવી વિગતોનો ડેટા બેઝ બનાવવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં વાસ્તવિક રસીકરણનું સચોટ આયોજન કરવામાં ખૂબ ઉપયોગી નિવડશે.

આ ઉપરાંત આ ડેટા બેઝ સરકારને મોકલવામાં આવશે. આમ,ભાવિ કોવીડ રસીકરણ માટે આ અગત્યની પાયારૂપ કામગીરી છે. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ગ્રામ વિસ્તારના સહુ નાગરિકોને આ અગત્યની આરોગ્યલક્ષી કામગીરીમાં સર્વે ટીમોને સહયોગ આપી સચોટ વિગતો પૂરી પાડવા ખાસ અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.