////

નાયબ મુખ્યપ્રધાને કિડની હોસ્પિટલની મુલાકાત લીધી, વેક્સીન અંગે વાત કરતા કહ્યું…

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે બુધવારે અમદાવાદની કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં ગઈકાલે આવેલી કોરોના વેક્સીન વિશે નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે. મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રખાશે.

નાયબ મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, હાલ ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ છે. આ સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. વેક્સીન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સીનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલ ખાતે હાલ ટ્રેનીંગ ચાલી રહી છે. ટ્રાયલ માટે હેલ્થ વર્કરોને પણ જરૂર પડે તો સાંકળવામાં આવશે. વેક્સીનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઇ તે આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાત પણ કોરોનાની વેક્સીન શોધવાની ભૂમિકામાં સામેલ છે. કોરાના સિવાયના દર્દીઓ માટે પણ સરકાર ચિંતિત છે અને તમામની સારવાર ચાલી રહી છે. સરકારી હોસ્પિટલમાં 80 હજાર દર્દીઓની ઓપીડી ચાલુ છે.

આ તકે નાયબ મુખ્યપ્રધાને કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીને કહ્યું હતું કે, અહેમદ પટેલ કોંગ્રેસના અગ્રણી નેતા હતાં. તેઓ મૃદૂ ભાષી અને મળતાવડા સ્વભાવના હતાં. દરેક સાથે હળી મળીને કામ કરવાની પ્રકૃતિવાળા હતાં. અગાઉ પણ તેમની તબીયત નાદુરસ્ત થઇ હતી અને હૃદયની સર્જરી કરાવવી પડી હતી. ગુજરાત અને દેશે એક સમાજ સેવક અને અગ્રણી નેતા ગુમાવ્યા છે. સ્વ અહમદભાઇને શ્રધ્ધાંજલિ આપુ છું અને તેમના પરિવારને સાંત્વના પાઠવું છું.

આ તકે નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવતાં કહ્યું હતું કિડની હોસ્પિટલનું કામ પુર્ણતાના આરે છે અને જાન્યુઆરીમાં લોકાર્પણ કરવાની તૈયારી છે. કોરાનાની મહામારીને સારી સારવારની જરૂર હોઇ કિડની હોસ્પિટલની નવી બિલ્ડીગના ત્રણ ફ્લોર પર જરૂર પડે કોરોનાની સારવાર આપવામાં આવશે. ત્રીજા અને ચોથા માળે 336 દર્દીને ઓક્સિજન આધારિત સારવારની તૈયારી થઇ ગઇ છે. નવી કિડની હોસ્પિટલમા આઇસીયુ બેડની પણ તૈયારી છે. 56 જેટલા આઇસીયુ બેડની તૈયારી છે. 30 તારીખની આસપાસ જરૂર પડે કોરોના દર્દીની સારવાર આ નવી હોસ્પિટલના ત્રણ માળમાં થશે. 1200 બેડમાં વધારાના 60 આઇસીયુ બેડ ઉમેર્યા છે.

તેઓએ વધુમાં કહ્યું કે, જે કેસ વધ્યા છે તે ઘટી શકે છે, પણ જો ન ઘટે તો સરકારનું આગોતરું આયોજન છે. આગામી અઠવાડિયામાં આ હોસ્પિટલમાં સુવિધા ઉભી કરી દેવાશે. રાજ્યના મોટા ભાગના કોવિડના દર્દીઓની સરકારે સારી સારવાર કરી છે. રાજ્યના કેસ બે લાખને પાર પહોંચ્યા છે. તમામની સારી સારવાર કરવામાં આવી છે. મોંઘી દવા અને સારવાર ફ્રી માં અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published.