///

SOU પર કોન્ટ્રાક્ટ પર ચાલતી બસના ડ્રાઈવર-કંડક્ટરે કરી હડતાળ

કેવડિયા ખાતે આવેલી SOU પર કોરોના કહેર વચ્ચે સીમિત સંખ્યાઓમાં ફક્ત ઓનલાઈન ટીકીટ બુકીંગ કરી હોય એ જ પ્રવાસીઓને SOU આસપાસના અન્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવે છે. તો કેવડીયાથી SOU સહિત અન્ય પ્રવાસન સ્થળો પર ખાનગી બસ પ્રવાસીઓને લઈ જતી હોયે છે. ત્યારે આ પ્રવાસીઓને લઈ જતી ખાનગી એજન્સીના બસના ડ્રાઇવરો તેમજ કંડક્ટરો બાકી નીકળતો પગાર વહેલી તકે આપવાની માંગ સાથે હળતાળ પર ઉતરી પડ્યા હતા.

SOU પર પ્રવાસીઓને લઈ જતી ભરૂચની એક ટ્રાવેલ એજન્સીની બસના ડ્રાઇવર અને કંડકટરોએ 23મી ડિસેમ્બરે હડતાળનું હથિયાર ઉગામ્યુ હતું. જેમા તેમણે એવો આક્ષેપ લગાવ્યો હતો કે, અમને લોકડાઉનનો પણ પગાર આપ્યો નથી અને છેલ્લા 2 મહિનાનો પણ પગાર બાકી છે. અમે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીએ. અમે જ્યારે પગાર માંગીએ તો અમને નોકરી પરથી છુટા કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે.

ત્યારે અમારી માંગણી એવી છે કે, લોકડાઉન સહિત અમારો બાકી નીકળતો તમામ પગાર અમને મળી જાય અને જે પણ ડ્રાઇવર કંડકટરને છુટા કર્યા છે એમને પરત નોકરી પર લેવામાં આવે, અમારી આ માંગો જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે. જો કે આ હડતાળની બાબત જાણતા ખાનગી ટ્રાવેલ એજન્સીના સંચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ માંગણીઓ સંતોષવા માટે ખાતરી આપી ત્યારે પ્રવાસી બસોમાં ફરજ બજાવતા ડ્રાઇવર કંડકટરોએ હડતાળ સમેટી હતી.

આ અંગે SOUના મદદનીશ કમિશ્નર ડો.મયુર પરમારે જણાવ્યું હતું કે, ફક્ત એક જ એજન્સીના ડ્રાઇવર-કંડક્ટરોએ બસ ચલાવવાની ના પાડી હતી, એમની અને એમના માલિક વચ્ચે આંતરિક વિવાદ થયો હતો. જોકે તાત્કાલિક એ વિવાદનો અંત પણ આવી ગયો હતો. SOU દ્વારા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે એ માટે અન્ય બસોની વ્યવસ્થા પણ કરાઈ હતી. હાલ તમામ બસો રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.