///

Farmers Protest: સરકારના વાતચીતના આમંત્રણ પર ખેડૂત આજે નિર્ણય લેશે

દિલ્હીમાં કૃષિ કાયદાને લઈને સતત 27માં દિવસે ખેડૂત આંદોલન યથાવત છે, ત્યારે ખેડૂત નેતાઓએ સોમવારે દાવો કર્યો હતો કે, વાતચીત માટે આગામી તારીખને લઈને કેન્દ્રના પત્રમાં કંઈપણ નવું નથી. કેન્દ્રના નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ માટે હરિયાણા અને ઉત્તર પ્રદેશને અડીને દિલ્હીની વિવિધ સીમાઓ પર ખેડુતોએ ધીરે ધીરે ભૂખ હડતાલ પણ શરૂ કરી દીધી છે.

આ ઉપરાંત ક્રાંતિકારી ખેડૂત સંઘના ગુરમીતસિંહે કહ્યું કે, ખેડૂત નેતાઓના આગામી પગલા માટે મંગળવારે બેઠક થવાની સંભાવના છે. ખેડૂત સંગઠનો પણ બિહાર જેવા અન્ય રાજ્યોના ખેડુતોનો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, સરકારે ખેડૂતોને પત્ર લખ્યો છે. સરકાર તરફથી ખેડૂતોને મોકલવામાં આવેલા પત્રમાં ક્રમવાર અત્યાર સુધી થયેલી બેઠકની મુખ્ય વાતો અને ઉકેલ ન આવવાના કારણોનો ઉલ્લેખ છે. તથા એકવાર ફરીથી બેસીને વાતચીત દ્વારા ઉકેલ લઇ આવવાનું આમંત્રણ પણ પાઠવેલુ છે.

ભારતીય ખેડૂત યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યું કે, અમે 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં ટોલ પ્લાઝા ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. 27 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીના મન કી બાત દરમિયાન અમે બધાને અપીલ કરીશું કે કાર્યક્રમ દરમિયાન જ્યારે તેઓ બોલે, ત્યાં સુધી ઘરોમાં થાળી વગાડવામાં આવે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, કિસાન દિવસ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. હું તે દિવસે લોકોને ભોજન છોડવાનો આગ્રહ કરીશ.

તો બીજી બાજુ રવિવારની સાંજે ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને મળવા માટે કૃષિ ભવન પહોંચ્યુ હતું. આ પહેલા પણ ઘણા તબક્કામાં કિસાનોની કૃષિ પ્રધાન સાથે વાતચીત થઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.