નવા કૃષિ કાયદાના વિરોધમાં સતત છેલ્લા 28 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોનું દિલ્હી કૂચ અભિયાન યથાવત છે. ત્યારે ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાને રાખી દિલ્હીની તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આંદોલનની વચ્ચે વધુ એક વખત ખેડૂતો સાથે વાતચીત માટે સરકારે તૈયારી દાખવી છે. સરકારે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ આપ્યો છે.
સાથે જ આજે આંદોલનકારી ખેડૂતો ખેડૂત દિવસ પણ ઉજવી રહ્યા છે. તેમણે દેશભરના ખે્ડૂતોને એક ટાઈમનું ખાવાનું ન ખાવાની અપીલ કરી છે. સરકાર સાથે વાતચીત માટે કોઈ નિર્ણય લેવા તેમણે કમિટી પણ બનાવી છે. ખેડૂતોએ પોતાની માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવાની જાહેરાત કરેલી છે. તેમણે કહ્યું કે, 25-26 ડિસેમ્બરે હરિયાણાના હાઈવે ટોલ ફ્રી કરવામાં આવશે. આ ઉપરાંત દેશની સાથે સાથે પંજાબી સમુદાયો વિદેશોમાં પણ ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.
તો બીજી બાજુ મળતી માહિતી મુજબ ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવા માટે 5 સભ્યોની કમિટી બનાવી છે. આ બાજુ ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હીમાં કેબિનેટ બેઠક થવા જઈ રહી છે. આંદોલન પર ચર્ચા થઈ શકે છે. કેબિનેટ અગાઉ CCSની બેઠક થશે.
મહત્વનું છે કે, નવા કૃષિ કાયદા રદ્દ કરવાની માગ પર ખેડૂતો અડગ છે. ત્યારે વડાપ્રધાને કહ્યું છે કે, આ કાયદાથી ખેડૂતોને કોઈ જ નુકસાન નથી થવાનું. MSP રદ્દ નહીં કરવામાં આવે. વાતચીત કરી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. પરંતુ આમ છતાં ખેડૂતો પોતાની માગ પર અડગ છે અને 28 દિવસથી દિલ્હીની બહાર આંદોલન પર બેઠા છે.