///

ખેડૂતો-સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ નિવડી, દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન યથાવત

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે મંગળવારે થયેલા સંવાદનું કોઈ પરિણામ આવ્યું નહીં અને ખેડૂતોનું પ્રદર્શન આજે પણ યથાવત જ છે. આ બેઠક દરમિયાન સરકારે ખેડૂતો સામે કૃષિ કાયદા પર ચર્ચા માટે સમિતિ બનાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો, પરંતુ ખેડૂતોએ તેની ના પાડી દીધી. બંને પક્ષો વચ્ચે આગામી બેઠક 3 ડિસેમ્બરના થવાની છે. ત્યારબાદ ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર પોતાની સંખ્યા વધારવાની યોજના કરી રહ્યા છે. આ માટે પંજાબ અને હરિયાણાથી વધુ ખેડૂતો દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યા છે.

બેઠકમાં ખેડૂતો તરફથી સામેલ થયેલા ખેડૂત નેતાઓનો એક મત હતો અને તમામે કહ્યું કે, ત્રણેય નવા કૃષિ કાયદા રદ થવા જોઈએ. ખેડૂતોના પ્રતિનિધિઓએ આકાયદાઓને કૃષિ સમુદાયના હિત વિરુદ્ધ ગણાવ્યા. ખેડૂતોએ કહ્યું કે, સમિતિનો કોઈ અર્થ નથી. સરકાર તરફથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની નહીં પરંતુ ટાળવાની કોશિશ છે. તેમણે કહ્યું કે, અમે વાતચીતથી દૂર ભાગતા નથી પરંતુ જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ ન આવતા સરકારે ખેડૂતો નેતાઓ પાસેથી સંબંધિત જોગવાઈઓ પર લેખિતમાં આપત્તિઓ અને સૂચનો માંગ્યા છે. જેનો રિપોર્ટ બુધવાર સુધીમાં ખેડૂત પ્રતિનિધિઓને ઉપલબ્ધ કરાવવાનો છે. તેના પર હવે 3 ડિસેમ્બરે બપોરે 12 વાગે ચર્ચા થશે.

આ અંગે સરકારનું કહેવું છે કે, તેનાથી જરૂરી મુદ્દાઓ પર યોગ્ય રીતે વાતચીત કરવામાં સરળતા રહેશે. પહેલા ખેડૂત સંગઠનો નવા કાયદાને લઈને પોતાના મુદ્દાની યોગ્ય રીતે ઓળખ કરી લે. લેખિતમાં પોતાના સૂચનો તૈયાર કરી જેથી કરીને 3 ડિસેમ્બરે થનારી ચોથા રાઉન્ડની બેઠકમાં સરળતા રહે.

મહત્વનું છે કે, ખેડૂતોના પ્રદર્શનના 7માં દિવસે દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધવા લાગી છે. યુપી ગેટ પર ગાજીપુર પાસે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે અને સતત ભીડ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.