///

અઢી વર્ષના પુત્રનું બ્રેઈનડેડ થતા પિતાએ અંગદાનનો નિર્ણય લીધો, અન્ય બાળકોને આપ્યું નવજીવન

રાજ્યમાં એક પત્રકાર દ્વારા પોતાના અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સુરતના અઢી વર્ષના બાળકના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યુ હતું. ત્યારે સુરતના આ બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે. જશ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક અમૃતા હોસ્પિટલમાં ડૉ.સ્નેહલ દેસાઈની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. ત્યારે નિદાન માટે સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.

બાળકના પત્રકાર પિતાએ અઢી વર્ષના પુત્રના અંગોનું દાન કરવા સહમતિ આપતા ડોનેટ લાઇફે આગળની પ્રોસેસ શરૂ કરી હતી. બાળકના પરિવાર તરફથી સંમત્તિ મળતા જ નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organizationના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હદય, ફેફ્સા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું હતું. રાજ્યમાં નાના બાળકના હદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇ દર્દી ના હોવાને કારણે ROTTO મુંબઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ NOTTO દ્વારા દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ના હોવાને કારણે ચેન્નાઈની એમ.જી.એમ.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેનની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંની ફાળવણી કરી હતી. હદય અને ફેફ્સા સમયસર ચેન્નાઇ પહોચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા હતા. ચેન્નાઈથી સુરત આવી હૃદય અને ફેફસાનું દાન ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલના ડૉ. મોહન અને તેમની ટીમે તથા કિડની અને લિવરનું દાન અમદાવાદની IKDRCના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

Leave a Reply

Your email address will not be published.