////

રાજ્યમાં પ્રથમ કોવેક્સિનનું સાંજે અમદાવાદમાં આગમન…

દેશભરમાં કોરોનાનો હાહાકાર વધ્યો છે, ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. સાથે જ અલગ અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. એવામાં હવે રાજ્યમાં સૌપ્રથમ વખત કોરોના ટ્રાયલ ટેસ્ટિંગ માટે આવી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે 5.30 વાગે કોરોના વેક્સિન દિલ્હીથી ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી વેક્સિન સોલા સિવિલ જશે. સોલા સિવિલ ખાતે 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરવામાં આવેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરવામાં આવશે. જોકે અગાઉ આ પરીક્ષણ ગત મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું.

આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બુધવાર કે ગુરૂવાર સુધીમાં જ કોરોનાની રસી રાજ્યમાં આવી જશે અને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એનો સંગ્રહ કરાશે. ત્યાર બાદ રાજ્ય સરકારે જે પાંચ હોસ્પિટલમાં આ રસીનાં પરીક્ષણની મંજૂરી આપી છે, ત્યાં 1,000 લોકો પર આ રસીનું પરીક્ષણ કરવામાં આવશે. કેસો વધવાને કારણે હોસ્પિટલોમાં બેડ પણ ઘટી રહ્યાં હતા અને પરીક્ષણ માટે તૈયાર થનારા સ્વયંસેવકોને પણ કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશનમાં જ રાખવામાં આવતા હોવાથી આ પરીક્ષણ પાછું ઠેલવાનો નિર્ણય લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published.