////

કોરોના સામે લડવા આ વેક્સિનનો પહેલો ડોઝ જ છે કાફી, બનાવે છે વધુ એન્ટિબોડી

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને મહામારી વિરુદ્ધ વેક્સિનેશનને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશભરમાં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે. જો કે આ બધા વચ્ચે સતત એવી ચર્ચા થઈ રહી છે કે તેમાંથી કઈ વેક્સિન વધુ કારગર છે. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડીજી ડો.બલરામ ભાર્ગવે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના પ્રમુખ ડો.બલરામ ભાર્ગવે કોવેક્સિન અને કોવિશીલ્ડ દ્વારા બનનારી એન્ટીબોડી અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોવેક્સિનના પહેલા ડોઝની સરખામણીમાં વધુ એન્ટીબોડી બને છે.

એક રિપોર્ટ મુજબ આઈસીએમઆર ચીફ ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે, નવા સ્ટડીમાં સામે આવ્યું છે કે કોવેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ વધુ એન્ટીબોડી બનતી નથી, પરંતુ બીજો ડોઝ લીધા બાદ પૂરતી એન્ટીબોડી બને છે. જ્યારે કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધા બાદથી જ તેનાથી સારી એન્ટીબોડી બની જાય છે.

કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને હવે 12-18 અઠવાડિયાનું કરવામાં આવ્યું છે. કારણ કે પહેલા ડોઝમાં મજબૂત એન્ટીબોડી વિક્સીત થાય છે. જ્યારે કોવેક્સિન લગાવવા માટે ચાર અઠવાડિયાનું અંતર બદલવામાં આવ્યું નથી. કોવિશીલ્ડ માટે 3 મહિનાના અંતરને જરૂરી કરવાના સરકારના નિર્ણય વિશે જણાવતા ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે પહેલા શોટ બાદ પ્રતિરક્ષા વધુ મજબૂત જોવા મળી અને 3 મહિનાનું અંતર સારા પરિણામ આપશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,591 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 4,209 દર્દીના મોત નિપજ્યા છે અને 3,57,295 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 2,60,31,991 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 2,27,12,735 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 30,27,925 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 2,91,331 લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે. આ મહામારીથી બચવા માટે 19,18,79,503 એ વેક્સિન લઇ લીધી છે.

Leave a Reply

Your email address will not be published.