રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનની દેશ-વિદેશની યાત્રા માટે ખાસ તૈયાર કરવામાં આવેલું વિશેષ વિમાન એરઈન્ડિયા વન-બી 777 થોડા દિવસો પહેલા જ ભારત આવી ચૂક્યું છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ કોવિંદે આ વિશેષ વિમાનથી પ્રથમ વખત પ્રવાસ પણ ખેડ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે એરઈન્ડિયા વન-બી 777થી ચેન્નઈ રવાના થયા છે. આ પ્લેનમાં રાષ્ટ્રપતિની આ પ્રથમ યાત્રા છે. રાષ્ટ્રપતિ ભવને એક નિવેદનમાં કહ્યું કે, રામનાથ કોવિંદ આંધ્ર પ્રદેશના તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરવા પણ જશે.
જો આ વિમાનની વાત કરીએ તો, આ વિમાનનું ઈન્ટીરિયર અત્યંત આધૂનિક છે. જેને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના પ્રવાસ માટે ખાસ બનાવવામાં આવ્યું છે. પ્રથમ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે પાયલટ, ક્રુ મેમ્બર્સ અને એર ઈન્ડિયા તેમજ ઈન્ડિયન એરફોર્સની સમગ્ર ટીમની દેશની અંદર અને વિદેશોમાં પ્રવાસ દરમિયાન VVIP ટ્રાન્સપોર્ટને સુવિધાજનક બનાવવા માટે પ્રશંસા કરી હતી.