////

SIIએ તૈયાર કરી ન્યૂમોનિયાની પ્રથમ સ્વદેશી રસી, આવતા સપ્તાહે થઈ શકે છે લોન્ચ

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ ન્યૂમોનિયા રોગ માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી લીધી છે. ત્યારે આ રસીને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન આવતા સપ્તાહે લૉન્ચ કરી શકે છે. આ અંગે સૂત્રોના જણાવ્યું પ્રમાણે, આ રસી હાલના સમયમાં બે વિદેશી કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી રસીની સરખામણીમાં ઘણી સસ્તી હશે.

ભારતના ઔષધિ નિયામકે પુણે સ્થિત સંસ્થાથી પ્રાપ્ત રસીના ક્લિનિકલ ટ્રાયલના પહેલા, બીજા અને ત્રીજા ચરણના આંકડાઓની સમીક્ષા કર્યા બાદ જુલાઈમાં જ ન્યૂમોકોકલ પોલીસેક્રાઇડ કાંજુગેટને બજારમાં ઉતારવાની મંજૂરી પણ આપી દીધી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ રસીના માધ્યમથી શિશુઓમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યૂમોનિયા સામે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી શકાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીના પહેલા, બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ભારત અને આફ્રિકાના દેશ ગામ્બિયામાં કર્યા છે. આ અંગે અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે, ન્યૂમોનિયાના ક્ષેત્રમાં આ સ્વદેશમાં વિકસિત પહેલી રસી છે. આ રસી વિદેશી રસી જેવી કે, ફાઇઝરના એનવાયએસઇ-પીએફઈ અને ગ્લેક્સોસ્મિથક્લાઇનની એલએસઇ-જીએસકે કરતાં પણ ઘણી સસ્તી હશે.

આ ઉપરાંત સ્વાસ્થ્ય પ્રધાને લખેલા એક પત્રમાં સીરમ ઇન્ટિીટ્યૂટમાં સરકાર અને નિયામક મામલાઓના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે કહ્યું કે, વોકલ ફોર લોકલ અને દુનિયા માટે મેક ઇન ઈન્ડિયા હેઠળ વડાપ્રધાનના સપનાને પૂરું કરવું હંમેશા અમારો પ્રયાસ રહે છે. તેઓએ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહ્વાનની દિશામાં આગળ વધતા અમે કોવિડ-19 લોકડાઉન દરમિયાન ભારતની પ્રથમ વૈશ્વિક સ્તરીય ન્યૂમોનિયા રસીનો વિકાસ કરી એક ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.