///

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આવતીકાલે પ્રથમ T-20 મેચ

વન ડે શ્રેણી ગુમાવ્યા બાદ હવે T-20માં ટીમ ઇન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર હશે. બંને ટીમ વચ્ચે આવતીકાલે શુક્રવારથી ત્રણ મેચની T-20 શ્રેણીનો પ્રથમ મુકાબલો કેનબરામાં રમાશે.

T-20માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. છેલ્લાં 12 વર્ષથી ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી હાર્યું નથી. આ પહેલાં ફેબ્રુઆરી-2008માં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લે 2018માં જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે પણ શ્રેણી 1-1થી બરોબર રહી હતી. જ્યારે ચાર વર્ષ પહેલાં ભારતે કાંગારુ ટીમનો 3-0થી સફાયો કર્યો હતો. ત્યારે ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હતો.

બંને દેશ વચ્ચે કુલ 8 T-20 શ્રેણી રમાઈ ચૂકી છે. જેમાં ભારતે 3 અને ઓસ્ટ્રેલિયાએ 2 શ્રેણી જીતી છે, જ્યારે 3 શ્રેણી ડ્રો રહી છે. ઓવરઓલ મેચની વાત કરવામાં આવે તો બંને ટીમે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી દ્વિપક્ષીય શ્રેણીમાં એકબીજા સામે કુલ 9 મેચ રમી છે, જેમાંથી ભારતને 5માં અને ઓસ્ટ્રેલિયાને 3 મેચમાં જીત મળી છે, જ્યારે 1 મેચનું પરિણામ આવી શક્યું નહોતું.

વન ડે શ્રેણીમાં 2 અર્ધસદી ફટકારનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર T-20 શ્રેણીમાં પણ ભારતીય બેટિંગનો આધાર રહેશે. કોહલીએ T-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે વધુ સરેરાશથી રન બનાવ્યા છે. કોહલીએ કાંગારું ટીમ સામે 16 મેચમાં 64.88ની સરેરાશથી 584 રન ફટકાર્યા છે. કોહલી બાદ યુવરાજસિંહ, ધોની, ધવન અને રોહિત શર્માનો નંબર આવે છે.

ભારત તરફથી T-20માં જસપ્રીત બૂમરાહ ઓસ્ટ્રેલિયા સામે સૌથી સફળ બોલર રહ્યો છે. ઓસી. સામે જ ડેબ્યૂ કરનારા બૂમરાહે કાંગારું ટીમ સામે 11 મેચમાં 15 શિકાર કર્યા છે. ત્યારબાદ અશ્વિન, જાડેજા, ભુવનેશ્વર અને કુલદીપ યાદવનો નંબર આવે છે.

ઓસી. સામેની વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના બોલર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્રીજી વન ડેને બાદ કરવામાં આવે તો ભારતીય બોલર્સ શરૂઆતના બંને મુકાબલાના પાવર-પ્લેમાં એક પણ વિકેટ ઝડપી શક્યા નહોતા. ત્રીજી વન ડેમાં શાનદાર પ્રદર્શન કરનારા ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર અને કુલદીપે આશા વધારી છે.

Leave a Reply

Your email address will not be published.