////

લંડનથી દિલ્હી પહોંચેલી ફ્લાઇટમાં 5 કેસ પોઝિટિવ, નવા સ્ટ્રેનની ઓળખ માટે સેમ્પલને લેબમાં મોકલાયા

વિશ્વભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે, ત્યાં ભારતમાં ધીમે-ધીમે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે દેશમાં કોરોનાને લઈને વધુ એક ડર સતાવી રહ્યો છે. બ્રિટનમાંથી મળી આવેલા કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી સંક્રમણ ફેલાવવાનો ખતરો 70 ટકા વધી જાય છે.

કોરોનાના આ સ્ટ્રેનને જોતા ભારત સરકારે બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. જો કે એક રાત પહેલા આવેલી એક ફ્લાઈટમાંથી 5 મુસાફરોમાં સંક્રમણ મળી આવ્યા બાદ ફફડાટ ફેલાયો છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ, પ્રતિબંધના એક દિવસ પહેલા લંડનથી દિલ્હી એરપોર્ટ પર આવેલી ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 266 લોકો સવાર હતાં. જેમાંથી 5 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. હાલ તેઓના સેમ્પલને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ની લેંબમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યાં છે. આ સાથે જ સંક્રમિતોને પણ કેર સેન્ટરમાં અલગ રાખવામાં આવ્યા છે.

અગાઉ લંડનથી મુંબઈ પહોંચેલી બે ફ્લાઈટના મુસાફરોને પણ એરપોર્ટથી સીધા હોટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. કેટલાક મુસાફરોએ તેના પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, અમને પહેલાથી જ આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહતી.

WHOના જણાવ્યા મુજબ, નવા સ્ટ્રેનથી જે સંક્રમિત થઈ જાય છે, તે સરેરાશ 1.5 લોકોને ચેપ લગાડે છે. જેની આગળ હાલની વેક્સીનની અસર નહીં થાય.

મહત્વનું છે કે ભારતમાં મંગળવાર રાત્રે 12 કલાક બાદ બ્રિટનની કોઈ પણ ફ્લાઈટ ઉતરશે નહીં. તે દરમિયાન જે ફ્લાઈટો પણ આવી રહી છે તેના મુસાફરોને પણ RT-PCR ટેસ્ટ બાદ જ ઘરે મોકલવામાં આવી રહ્યાં છે.

જે મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તેઓને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તેમને પણ 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાનું ફરજિયાત છે.

અગાઉ વિદેશથી આવનારા તમામ મુસાફરોને ત્યાંથી કોરોના ટેસ્ટ કરાવીને આવવું પડતું હતું. જે બાદ મુસાફરોને સીધા હોમ ક્વોરન્ટાઈનમાં મોકલી દેવામાં આવતા હતાં.

Leave a Reply

Your email address will not be published.