///

સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓની કમિટી બનાવીને ચર્ચા કરે : સુપ્રીમ કોર્ટ

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનને આજે 21 દિવસ થઇ ગયા છે. ત્યારે બુધવારે ફરી એક વાર દિલ્હી-નોઇડા બોર્ડરને બ્લોક કરી દેવામાં આવી હતી. ખેડૂત સંગઠનોએ સરકારને લેખિતમાં જવાબ આપતા સંશોધનોને ફગાવી દીધા છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. સુપ્રીમ કોર્ટે સરકાર અને ખેડૂત કમિટી બનાવીને ચર્ચા કરવાનું કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી ગુરૂવારે યોજાશે.

ખેડૂતોના આંદોલનને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. અરજી કરનાર તરફથી સુપ્રીમ કોર્ટમાં શાહીન બાગ કેસનો હવાલો આપવામાં આવ્યો હતો. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ વિષય છે. સોલિસિટર જનરલે કોર્ટને અપીલ કરી છે કે હરીશ સાલ્વે આવા જ એક કેસમાં દલીલ આપવા માંગે છે. જોકે, જજે હરીશ સાલ્વેને ચર્ચામાં સામેલ કરવાની મનાઈ કરી દીધી હતી.

આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે, તમે ઇચ્છો છો કે બોર્ડર ખોલી દેવામાં આવે, જેની પર વકીલે કહ્યું કે કોર્ટે શાહીન બાગ કેસ સમયે કહ્યુ હતું કે રસ્તા જામ ના થવા જોઇએ. વારંવાર શાહીન બાગનો હવાલો આપવા પર ચીફ જસ્ટિસે વકીલને ટોક્યા હતા, તેમણે કહ્યુ કે ત્યા કેટલા લોકોએ રસ્તો રોક્યો હતો? કાયદો વ્યવસ્થા મામલે ઉદાહરણ નથી આપી શકાતા. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન પૂછ્યુ કે શું ખેડૂત સંગઠનોને કેસમાં પાર્ટી બનાવવામાં આવી છે.

કોર્ટમાં વકીલ જીએસ મણિએ કહ્યું કે, હું ખેડૂત પરિવારમાંથી આવુ છુ, માટે અપીલ કરી છે. જેની પર કોર્ટે તેમની જમીન વિશે પૂછ્યુ હતું, વકીલે જણાવ્યુ કે તેમની જમીન તમિલનાડુમાં છે. જેની પર જસ્ટિસે કહ્યુ કે તમિલનાડુની સ્થિતિને પંજાબ-હરિયાણા સાથે ના તોલી શકાય. ચીફ જસ્ટિસે કોર્ટમાં કહ્યુ કે જે અરજી કરનાર છે, તેની પાસે કોઇ યોગ્ય દલીલ નથી. એવામાં રસ્તો કોણે બંધ કર્યો છે. જેની પર સોલિસિટર જનરલે કહ્યુ કે ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે અને દિલ્હી પોલીસે રસ્તો બંધ કર્યો છે. જેની પર CJIએ કહ્યુ કે જમીન પર હાજર તમે જ મેન પાર્ટી છો.

આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તે ખેડૂત સંગઠનોનો પક્ષ સાંભળશે, સાથે જ સરકારને પૂછ્યું કે અત્યાર સુધી કેમ સમજૂતી કરવામાં નથી આવી. કોર્ટ તરફથી હવે ખેડૂત સંગઠનોને નોટિસ મોકલવામાં આવી છે. કોર્ટનું કહેવુ છે કે આવા મુદ્દા પર જલ્દી સમજૂતી થવી જોઇએ. કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવા કહ્યુ છે, જેથી બન્ને એક બીજાના મુદ્દા પર ચર્ચા કરી શકે.

Leave a Reply

Your email address will not be published.