////

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સિવિલમાં પુરતા બેડ હોવાનો સરકારનો દાવો

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે AMTS-BRTS બસ બંધ કરવા ઉપરાંત ખાનગી હોસ્પિટલો સાથેના કરાર પણ રદ કરી દેતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આરોગ્ય વિભાગે હવે સરકારી હોસ્પિટલોમાં પુરતા કોવિડ બેડ હોવાનો દાવો કર્યો છે.

રાજ્ય સરકારે પહેલાં તો તઘલખી નિર્ણય લઇને અમદાવાદ શહેરમાં પરિવહન માટેની સિટી અને બીઆરટીએસ બસો અચાનક બંધ કરી દીધી. જેનાથી લાખો પરીક્ષાર્થીઓ ચિંતિત થઇ ગયા હતા. જો કે પાછળથી ભાન થતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પરીક્ષાઓ 19 માર્ચથી 10 એપ્રિલ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

તો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાને સંબોધીને જાહેરાત કરી કે, છેલ્લા એક વર્ષમાં રાજ્યના સરકાર અને લોકોએ કોરોનાનો જે રીતે સામનો કર્યો તે પ્રસંશનીય છે. ભૂતકાળમાં કોવિડ દર્દીઓને સારવાર-સુવિધા માટે કોઇ તકલીફ પડી નહતી અને ભવિષ્યમાં પણ કોઇ સમસ્યા થશે નહીં. ખાનગી હોસ્પિટલો સાથે કોવિડ-19 સમર્પિત બેડ માટેના કરાર રદ કરી દેતા કોરોનાના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં જગ્યા નહીં મળે તો ખાનગીમાં મોટા ખર્ચે સારવાર લેવાની ફરજ પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે, સરકારે AMCને ખાનગી હોસ્પિટલો સાથે કોરોનાની સારવાર માટે ટાઈઅપ કરવાની ઘસીને ના પાડી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ચૂકવાયેલા કરોડો રૂપિયા અને ખાનગી હોસ્પિટલો સામે મળેલી ફરિયાદોથી પણ સરકાર નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદ શહેરમાં 80થી વધુ ખાનગી હોસ્પિટલને નોટિફાઈ કરાઈ હતી. જેમાં કોર્પોરેશનના ક્વોટા અને ખાનગી ક્વોટા એમ 50-50 ટકા બેડ નક્કી કરાયા હતા. આ ખાનગી હોસ્પિટલમાં સારવારના ખર્ચ પણ બે વાર નક્કી કરી પછી બદલવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીના સારવાર માટેના ચાર્જ નક્કી હતા છતાં કેટલીય હોસ્પિટલ દ્વારા સિલિંગ કરતા વધુ રૂપિયા વસુલતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

હવે રાજ્ય આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે, આમ તો સરકારી હોસ્પિટલોમાં કોવિડ પેશન્ટ માટે પુરતા પ્રમાણમાં બેડ છે. પરંતુ જો દર્દીઓ વધશે તો ખાનગી હોસ્પિટલો સાથે MoU કરવા માટે નિર્ણય લેવાશે. તેમાં જરુર હશે ત્યાં એમઓયુ કરવામાં આવશે. હાલ કોવિડ મામલે રોજ આરોગ્ય વિભાગની કોર કમિટિની બેઠક મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.