////

પ્રજા ત્રસ્ત તંત્ર મસ્ત, માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડી રહી છે સરકાર

દેશ સહિત રાજ્યમાં હાલમાં કોરોના વાઇરસનો હાહાકાર છે. આ વચ્ચે લોકો કોરોનાથી ત્રસ્ત છે. મહામારીને પગલે લોકોના ધંધા રોજગાર પર પણ અસર પડી છે. ત્યારે આ તમામ વચ્ચે પોલીસ લોકોને નિયમો અને સોશિયલ ડીસ્ટન્સના નામે હેરાન કરી રહી છે. ક્યાંક પોલીસ માસ્કના નામે ગરીબ લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહી છે અને મસ્ત મોટા દંડ વસુલી રહી છે. આ તમામ વચ્ચે પોલીસ પણ અનેક નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેનો દંડ કોણ વસુલશે? પોલીસ ને શું તમામ નિયમોમાંથી મુક્તિ છે તેવા સવાલ લોકો કરી રહ્યા છે.

કોરોના મહામારીમાં લોકો બેહાલ છે. કામ ધંધા પર અસર પડી છે. આવી કપરી પરિસ્થિતિમાં લોકોને ઘર ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ ગરીબ લોકોને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નામે ખુલ્લી લુંટ ચલાવી રહી છે. ત્યારે આ મુદ્દે હાલમાં લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે. જનતાનું કહેવુ છે કે ચૂંટણીની રેલીમાં નેતાઓ ખુલ્લે આમ માસ્ક વિના ઘુમી રહ્યા હતા તો તેની પાસેથી કેમ માસ્કના નામે દંડ ઉઘરાવવામાં નથી આવતો અને સામાન્ય જનતા પાસેથી દંડ વસુલવામાં આવે છે.

મહત્વનું છે કે BTP MLA છોટુ વસાવાએ માસ્કના નામે લોકોને રંજાડવાનું બંધ કરવા સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. છોટુ વસાવાએ આક્ષેપ કર્યો છે કે કોરોના કાળમાં સરકારે માસ્ક જ્યારે ફરજીયાત કર્યું છે, ત્યારે પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડી રહી છે. તેમણે પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ કરવાની સીએમ સમક્ષ માગ કરી છે.

કોરોના કાળમાં લોકો કોરોના સંક્રમીત ન થાય તે માટે સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે. જે માસ્ક ન પેહરે તેને દંડની જોગવાઈ પણ સરકારે કરી છે. સરકારના આ નિર્ણયનો BTP MLA છોટુભાઈ વસાવાએ વિરોધ કર્યો છે. તેમણે CM રૂપાણી સમક્ષ પત્ર લખી રોષ વ્યકત કર્યો છે.

છોટુ વસાવાએ જણાવ્યું છે કે કોરોના કાળમાં લોકો રોજે રોજ જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર બેડના અભાવે અને તંત્રની ઘોર બેદરકારીને લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાની પોલીસ રોજ ગરીબ, નિર્દોશ અને મધ્યમવર્ગના લોકો પાસેથી માસ્ક તથા અન્ય કારણોસર હજારો રૂપિયા દંડ વસુલે છે.

લોકો પાસે રોજગારી નથી, કામધંધા બંધ છે ત્યારે ખેડૂત, વેપારીઓ, કારીગરો અને મજૂરો હેરાન થઈ રહ્યા છે. આર્થિક મંદીમાં ફસાયેલા લોકોને ભરૂચ જિલ્લાની પોલિસ ડરાવી-ધમકાવી-જો હુકમી કરી દંડ વસૂલી રંજાડી રહી છે. તે ખરેખર નિંદનીય છે માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ થવું જોઈએ તેવી મારી માગ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં માસ્કના નામે દંડ ઉઘરાવતી વખતે ઘણી વાર પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હોય છે. અગાઉ વિપક્ષના ઘણા નેતાઓએ પણ આ મામલે CM રૂપાણીને રજૂઆતો કરી જ છે. માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ કરવાની BTP MLA છોટુભાઈ વસાવાની રજુઆતનું શુ પરિણામ આવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published.