////

રાજ્યમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના વધતા સંક્રમણને પગલે ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જેમાં સુરતમાં કોરોનાના કેસ વધતા ઓફલાઇન શિક્ષણ પણ બંધ કરવામાં આવ્યુ છે, ત્યારે ધોરણ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે પરીક્ષાને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારે કહ્યું છે કે, વિદ્યાર્થીઓએ પરીક્ષા તો આપવી જ પડશે.

રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને કોરોના મહામારી વચ્ચે પરીક્ષા આપવી જ પડશે તેવો નિર્ણય કર્યો છે. 19 થી 27 માર્ચ દરમિયાન પરીક્ષા યોજાવાની છે. રાજ્ય સરકારે વધુમાં એમ પણ કહ્યું કે, કન્ટેનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ પાછળથી પરીક્ષા આપી શકે છે.

રાજ્યમાં લોકડાઉન બાદ સ્કૂલો ખોલવામાં આવી છે, ત્યારે ફરી એક વાર ગુજરાતમાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં દરરોજના એક હજારની નજીક કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધતા કેસને જોતા વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

રાજ્યના વાલી મંડળે સરકારને પત્ર લખી સ્કૂલો તેમજ ક્લાસિસને બંધ કરવાની અપીલ કરી છે. વાલી મંડળે કહ્યું કે, તાજેતરમાં કોરોના મહામારી વધુ ગંભીર બની છે. સુરતમાં 192 અને અમદાવાદમાં 100 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યાં સુધી પુરતી વ્યવસ્થા ના ગોઠવાય ત્યાં સુધી રાજ્યની સંપૂર્ણ શાળાઓ કોલેજો તેમજ ટ્યુશન ક્લાસિસ બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો બીજી બાજુ પરીક્ષાને રદ કરવાની પણ માગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.