///

અમદાવાદ: લગ્નના વરઘોડામાં વરરાજાએ તાનમાં આવીને કર્યું ફાયરિંગ

અમદાવાદમાં આવેલા ઓઢવ સ્મશાન રોડ પર હરેકૃષ્ણા સોસાયટીમાં મંગળવારની રાત્રે લગ્નના વરઘોડામાં તાનમાં આવેલા વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. જેને કારણે પોતાની સાથે પોતાના પિતાને પણ જેલમાં લઈ ગયા હતા. વરરાજાના આ કૃત્યનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થતા ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી પિતા-પુત્રને નજરકેદ કર્યા છે.

આ ઘટનામાં ઓઢવ પોલીસને મળેલા ફાયરિંગના વીડિયો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં મળેલી વિગત મુજબ ગત તા.9મીના રોજ સ્મશાન રોડ પરની હરેકૃષ્ણા સોસાયટીમાં રહેતાં BSFના નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ સુમનસિંહ શંકરસિંહ રાજપૂતના પુત્ર શીવાના લગ્ન હતા. આ લગ્નના વરઘોડામાં તાનમાં આવેલા શીવાએ પિતા સુમનસિંહની લાઈસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું.

આ બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના મહિલા PSI કે.આર.પરમારે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. શીવા રાજપૂત અને તેના પિતા સુમનસિંહને પોલીસે અટક કરી કોવિડ રિપોર્ટ ના આવે ત્યાં સુધી નજરકેદ રાખવામાં આવ્યા છે.

આ ઘટના અંગે ઓઢવ PI આર.જી જાડેજાએ જણાવ્યું હતું કે, લગ્નમાં ફાયરિંગ કરનાર શીવા અને તેના પિતાની અટકાયત કરવામાં આવી છે. શીવાના પિતા સુમનસિંહ BSFમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હાલ તેઓ નિવૃત્ત છે.

Leave a Reply

Your email address will not be published.