///

દિવાળી બાદ સ્કૂલ-કોલેજો ખોલવા મામલે ગુજરાત સરકારે લીધો આ નિર્ણય

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો છેલ્લાં 7 મહિનાથી બંધ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં સીએમ રૂપાણીએ મહત્વનો આદેશ કર્યો હતો. જેમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પહેલા કોલેજો ખોલવાની સરકારની વિચારણા છે.’ આ બેઠકમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.’

આ ઉપરાંત ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં દિલ્હીમાં ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાતમાં એવી સ્થિતિ નહીં સર્જાય તો બે જ સપ્તાહમાં દિવાળી બાદ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાશે. જેમાં સૌ પ્રથમ કોલેજો પછી મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ 9થી12 અને ત્યાર બાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર થશે.

આ સાથે જ ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે આંતરે દિવસે બે- ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસો તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ અને મૃત્યુદરમાં ઘટાડા બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ પણ કોવિડની મહામારી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ, ઈન્જેક્શન અને ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યાનો દાવો કરે છે.

હાલમાં રાજ્યમાં ચાર મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે. ત્યારે શહેરી-અર્ધ શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ સફળ રહ્યું નથી . બીજી બાજુ અભ્યાસક્રમ પણ ઘટાડવો પડયો છે. ત્યારે એવામાં વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ માટે સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવા માંગણી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.