કોરોના મહામારીને લીધે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 9 મહિનાથી જજ પોતાના સરકારી બંગ્લોથી વીડિયો કોન્ફરન્સથી કેસની સુનાવણી કરતા હતાં. પરંતુ 4 જાન્યુઆરી 2021થી તમામ ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલી તેમની ચેમ્બરમાં બેસીને વીડિયો કોન્ફરન્સથી કેસની સુનાવણી કરશે.
23મી ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે 4 જાન્યુઆરી 2021ના રોજથી ગુજરાત હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ કોર્ટ પરિસરમાં આવેલા તેમના ચેમ્બરમાંથી કેસનો વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરશે. 20મી ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની કમિટી દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રીએ કોર્ટને લગતા તમામ વિભાગના વડા અને અધિકારીઓને ચેમ્બરમાંથી વીડિયો કોન્ફરન્સ થકી સુનાવણી માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે.
12મી થી 14મી ડિસેમ્બર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને તેના પરિસરને AMC દ્વારા સેનીટાઈઝ કરવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન પણ ગુજરાત હાઈકોર્ટ અને તેના પરિસરની અંદર આવેલા કાયદા ભવન, જ્યુડિશિયલ એકેડમી ઓડિટોરિયમ, બેન્ક અને પોસ્ટ ઓફીસ તમામ વિભાગને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેનિટાઈઝ કરવામાં આવી હતી. ફિઝિકલ ફાઈલિંગ સેન્ટર પણ 3 દિવસના સમયગાળા માટે બંધ રાખવામાં આવ્યા હતાં. જોકે કેસની ઓનલાઈન ફાઈલિંગની સુવિધા ચાલુ રાખવામાં આવી હતી.