////

સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું- આગામી 6થી 7 મહિનામાં 30 કરોડ લોકોને વેક્સિન લગાવવાની ક્ષમતા

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને ગઇકાલે શનિવારે કહ્યું કે, દેશના વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય નિષ્ણાંત કોરોના વિરુદ્ધ સ્વદેશી વેક્સિન વિકસિત કરવા પર કામ કરી રહ્યાં છે અને આગામી છ થી સાત મહિનામાં ભારતમાં લગભગ 30 કરોડ લોકોને વેક્સિન લગાવવાની ક્ષમતા હશે. તેઓએ એ પણ કહ્યું કે, જલદી કેટલીક વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવશે. સ્વાસ્થ્ય પ્રધાન કોરોના પર મંત્રી સમૂહ (જીઓએમ)ની 22મી બેઠકને સંબોધિત કરી રહ્યાં હતાં.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, દેશમાં એક કરોડથી વધુ સંક્રમિત મામલા અત્યાર સુધી સામે આવ્યા છે, જેમાંથી 95 લાખ 50 હજારથી વધુ દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. ભારત વિશ્વના કેટલાક દેશોમાં સામેલ છે, જ્યાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધુ છે. ભારતમાં વર્તમાનમાં આ દર 95.46 ટકા છે. મહત્વનું છે કે સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન જીઓએમના ચેરમેન પણ છે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારો છતાં નવા કેસમાં તેજી ન આવી. આ સાથે લોકોને કોઈ પ્રકારની બેદરકારી ન દાખવવાની અપીલ કરી છે.

તેઓએ નક્કી કરેલા 30 કરોડ લોકોને વેક્સિન લગાવવા માટે વેક્સિનેશન અભિયાનમાં તેજી લઇ આવવાની જરૂરીયાત ગણાવી છે. 30 કરોડ લોકોમાં એક કરોડ સ્વાસ્થ્ય કર્મી (ડોક્ટર, નર્સ) બે કરોડ ફ્રંટલાઇન વર્કર (પોલીસકર્મી, સફાઈ કર્મી) અને 27 કરોડ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો સામેલ છે, જે પહેલાથી કોઈ ગંભીર રોગગ્રસ્ત છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને આગળ જણાવતા કહ્યું કે, દેશમાં જ જલદી કેટલીક વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી જશે. ભારત બાયોટેક, ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાએ પોતાની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ભારતીય દવા નિયંત્રક જનરલ (ડીસીજીઆઈ)ને ત્યાં અરજી કરી છે. આ સિવાય અન્ય વેક્સિન પર દેશમાં કામ ચાલી રહ્યું છે. જીઓએમની બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરી, સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચોબે અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય પણ સામેલ થયા હતાં. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી)ના ડાયરેક્ટર ડો. સુજીત કે સિંહે બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ અને તેને નિયંત્રણમાં કરવાનો અહેવાલ રજૂ કર્યો હતો. તેઓએ કહ્યું કે, વિદેશ મંત્રાલયને 12 દેશોએ વેક્સિન માટે વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published.