/////

દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા, બીજા નંબર પર મહારાષ્ટ્ર

દેશમાં કોરોનાના કહેર બાદ હવે મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધી રહ્યો છે, ત્યારે દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. દેશમાં મ્યુકોરમાઈકોસિસના કુલ 8,848 દર્દીઓ છે, જેમાંથી માત્ર ગુજરાતમાં જ 2,281 દર્દી આ મહામારીના જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દી જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં 2,281 મ્યુકોરમાઈકોસિસના દર્દી છે. જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં આ મહામારીના 2,000 દર્દી જોવા મળી રહ્યા છે. જ્યારે ત્રીજા નંબર પર આંધ્ર પ્રદેશ છે. આંધ્ર પ્રદેશમાં 910 મ્યુકોરમાઈકોસિસના દર્દી છે.

આ સિવાય મધ્ય પ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700, કર્ણાટકમાં 500, તેલંગાણામાં 350 અને હરિયાણામાં 250 મ્યુકોરમાઈકોસિસના દર્દી છે. દેશમાં મ્યુકોરમાઈકોસિસના કુલ 8,848 કેસ છે.

જોકે કેન્દ્ર સરકાર દ્વારા મ્યુકોરમાઈકોસિસ સામે ઉપયોગી ઇન્જેક્શનની ફાળવણી રાજ્યોને કરવામાં આવી છે. દેશમાં 8,848 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ સામે 23,680 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

જેમાં ગુજરાતને 2,281 દર્દીઓ સામે 5,800 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રને 5,090 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશને 2,310, મધ્ય પ્રદેશને 1,830, રાજસ્થાનને 1,780, કર્ણાટકને 1,270 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં બ્લેકફંગસથી 23 વર્ષીય યુવાનનું મોત થયું છે. જ્યારે અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના તમામ આઠ વોર્ડ ફુલ થવાના આરે છે. અમદાવાદ સિવિલમાં દરરોજ આ મહામારીને કારણે સરેરાશ 2 લોકોના મોત થઇ રહ્યા છે. જ્યારે રાજકોટ અને સુરતની સ્થિતિ પણ ચિંતાજનક છે.

સુરતમાં મ્યુકોરમાઈકોસિસને કારણે અત્યાર સુધી 12 દર્દીના મોત થઇ ચુક્યા છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના 163 કેસ છે. જ્યારે રાજકોટમાં 492 દર્દીઓ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.