////

રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે, ત્યારે કોરોનામાંથી રિકવર થયેલા અનેક દર્દીઓ હાલના દિવસોમાં મ્યુકોરમાઈકોસિસ નામના ગંભીર ફંગલ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યાં છે. રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેર ઉપરાંત ગામડાઓમાં પણ હાલના દિવસોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આમાંથી મોટાભાગના દર્દીઓ એવા છે, જેઓ કોરોનાથી સંક્રમિત થયા હોય અને સારવાર દરમિયાન તેમને સ્ટોરોઈડ જેવી દવાઓ આપવામાં આવી હતી.

રાજ્યમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસિસના 1500થી પણ વધુ કેસો નોંધાયા છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના પ્રકોપને જોતા રૂપાણી સરકારે આ રોગને મહામારી જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મ્યુકોરમાઈકોસિસની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કૉલેજોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

મ્યુકોરમાઈકોસિસથી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં મ્યુકોરમાઈકોસિસના કારણે 10 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે અમદાવાદમાં પણ એક ડઝનથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. અમદાવાદમાં મ્યુકોરમાઈકોસિસના 480થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે પ્રતિદિન નવા 40 જેટલા દર્દીઓ ઉમેરાઈ રહ્યાં છે. સતત વધી રહેલા દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને અહીં વધુ 7 ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યાં છે.

આજ રીતે સુરતમાં મ્યુકોરમાઈકોસિસના કુલ 223 કેસ, વડોદરામાં 193 અને રાજકોટમાં 620 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. આ બીમારીની સારવારમાં સંજીવની મનાતા ઈન્જેક્શનની કાળાબજારી કરીને કેટલાક તત્વો નફાખોરી કરી રહ્યાં છે. ગઈકાલે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 યુવકોની ધરપકડ કરીને 8 ઈન્જેક્શનો જપ્ત કર્યાં હતા.

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસની સારવારમાં કારગર “એમ્ફોટેરીસિન-બી”નામના ઈન્જેક્શનની કમીને જોતા સરકારે સવા ત્રણ કરોડના ખર્ચે 10 હજાર ઈન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. સરકારે ઈન્જેક્શનની કાળાબજારી રોકવા માટે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરની 7 હોસ્પિટલોમાં જ આ ઈન્જેક્શન વેચવાની મંજૂરી આપી છે.

Leave a Reply

Your email address will not be published.