///

આવકવેરા વિભાગ IT રિટર્ન ફાઈલ કરવાનું નવું પોર્ટલ જૂનમાં લોન્ચ કરશે

ઇન્કમ ટેક્સ વિભાગ રિટર્ન ફાઇલ કરવા માટેનું નવું પોર્ટલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. ત્યારે તેનાથી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી થશે. જેની તૈયારી અંતિમ તબક્કામાં છે. ITનું આ નવું પોર્ટલ જૂનમાં શરુ થવાની આશા છે. જેના કારણે IT રિટર્ન ફાઇલ કરવાની હાલની સાઇટ 1 જૂનથી 6 જૂન સુધી 6 દિવસ બંધ રહેશે.

આયકર ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે, વિભાગના સિસ્ટમ વિંગે ટ્રાન્ઝિશન ઓર્ડર જારી કરી દીધો છે. આ 6 દિવસમાં જ જુનામાંથી નવા પોર્ટલમાં શિફટ થવાનું કામ પુરું કરવામાં આવશે. જેથી આ સમયગાળામાં આઇટી અધિકારીઓ કે કરદાતા જુના પોર્ટલનો ઉપયોગ કરી શકશે નહીં.

ઇન્કમ ટેક્સ રિટર્નનું નવું પોર્ટલ 7 જૂનથી લાઇવ થવાની પુરે પુરી શક્યતા છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, જુના પોર્ટલ www.incometaxindiaefiling.gov.inના સ્થાને નવું પોર્ટલ www.incometaxgov.in લોન્ચ થવાનું છે.

મહત્વનું છે કે, ગત નાણાવર્ષ 2020-21ના અંતિમ દિવસે 31 માર્ચે આવકવેરા વિભાગના હાલના ઇ-રિટર્ન ફાઇલિંગ પોર્ટલમાં મોટી ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જેના લીધે વિભાગ અને કરદાતાઓને ઘણી મુશ્કેલીઓ પડી હતી. આવા સમયમાં નવા પોર્ટલના ન્યૂઝ બહુ મહત્વપૂર્ણ છે.

આવકવેરા વિભાગે તમામ અધિકારીઓને સુચના આપી દીધી છે કે, કરદાતાઓ સાથે સંકળાયેલી કોઇ પણ પ્રકારની ફરિયાદ કે સુનાવણીનું કામ 10 જૂન પછી જ કરે. જેથી કરીને કરદાતાને નવી સિસ્ટમ સમજવાનો સમય મળી શકે. માટે જુના પોર્ટલના બંધ થવાના સમયગાળા (1થી 6જૂન) દરમિયાન જો કરદાતા અને આકારણી અધિકારી વચ્ચે કોઇ કામ બાકી હોય તો તેને પહેલાં અથવા તો 10 જૂન પછી કરવામાં આવે.

સાથે જ આવકવેરા અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, નવા ઇ-ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ વ્યક્તિગત અને બિઝનેસ કરદાતા બંને કરી શકશે. એટલું જ નહીં નવા પોર્ટલ પર તેમને રિફન્ડ અંગેની ફરિયાદ નોધાવવા કે વિભાગના અન્ય કામ કરવાની સરળતા રહેશે. દરમિયાન કેન્દ્રીય પ્રત્યેક્ષ કર બોર્ડે કોરોનાની સ્થિતિને જોતા IT રિટર્નની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. તેની સાથે જ ઘણી ફરિયાદોની છેલ્લી તારીખોને પણ આગળ લંબાવવામાં આવી છે.

આવકવેરા વિભાગે દાવો કર્યો છે કે, ચાલુ નાણાવર્ષમાં અત્યાર સુધી 15 લાખ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયાનું રિફન્ડ ચુકવી દેવાયું છે. તેમાં વ્યક્તિગત શ્રેણીના 14.98 કેસમાં 7,458 કરોડ રૂપિયા અને કોર્પોરેટ કેટેગરીમાં 43,661 કરદાતાને 17,334 કરોડ રૂપિયાનું ટેક્સ રિફન્ડ કરી દેવાયું છે. આ રિફન્ડ 1 એપ્રિલથી 17 મે 2021 દરમિયાન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.