////

ખટ્ટર સરકારની મુશ્કેલીમાં વધારો! JJPએ કહ્યું – ખેડૂતોને નુકસાન થશે તો દુષ્યંત ચૌટાલા આપશે રાજીનામું

હરિયાણામાં ભાજપ સરકારની સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP)એ ખેડૂત આંદોલન પર મોટુ નિવેદન આપ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે હરિયાણા સરકારમાં દુષ્યંત ચૌટાલાના નાયબ મુખ્યપ્રધાન હોવાને કારણે પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP) પર કોઇ કચાશ આવશે નહીં. જો એમએસપી પર ખેડૂતોને નુકસાન થયુ તો દુષ્યંત ચૌટાલા પદ પરથી રાજીનામું આપી દેશે. JJPએ કેન્દ્ર સરકારના આંદોલનકારી ખેડૂતોની એમએસપી વગેરે સબંધિત માંગણીઓનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું છે.

જનનાયક જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રતીક સોમે કહ્યું કે, ‘અમે ખેડૂતોને કહેવા માગીએ છીએ કે નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા ચંદીગઢમાં રહેતા એમએસપી પર કોઇ રીતની તકલીફ નહી પડે. તેમ છતાં જો ખેડૂતોને એમએસપીને લઇને કોઇ રીતનું નુકસાન થતુ જોવા મળે છે તો પહેલા રાજીનામું દુષ્યંત ચૌટાલાનું હશે. JJP હંમેશા ખેડૂતો સાથે ઉભી રહેનારી પાર્ટી છે.’

સુપ્રીમ કોર્ટના વકીલ જનનાયક જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રતીક સોમે કહ્યું કે, ચૌધરી દેવીલાલની વિચારધારા ધરાવતી JJP એક પ્રો-ફાર્મર પાર્ટી છે. જેજેપીએ કેન્દ્ર સરકારને ખેડૂતોની તમામ માગો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવાની માગ કરી છે. એમએસપી પર સરકારનું આશ્વાસન મળવુ જરૂરી છે. આશા છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી મુદ્દાને સુલજાવશે, જેનાથી ગતિરોધ દૂર થઇ શકશે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પૂર્વ જનનાયક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ અજય ચૌટાલાએ કહ્યું હતું કે, “ખેડૂતોની માગો પર કેન્દ્રએ વિચાર કરતા સહમતિથી હલ શોધવો જોઇએ. સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોની પરેશાનીને જલ્દી દૂર કરવી જોઇએ. એમએસપીને એક્ટમાં સામેલ કરવા પર કેન્દ્રએ વિચાર કરવો જોઇએ.

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકારને સહયોગ આપનારી જનનાયક જનતા પાર્ટી (JJP)નો આધાર વોટર જાટ અને ખેડૂત માનવામાં આવે છે. ખેડૂત આંદોલનને કારણે એનડીએ સહયોગી જેજેપી પર ઘણુ દબાણ છે. પાર્ટી પોતાના કોર વોટર્સને નારાજ કરવા નથી માંગતી. સુત્રો અનુસાર આ કારણે હરિયાણામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને પાર્ટીના નેતા સમર્થન આપી ચૂક્યા છે. હરિયાણામાં ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બહુમતથી ભાજપના ચુકી જવા પર જેજેપીના 10 ધારાસભ્યોના સમર્થનથી મનોહર લાલ ખટ્ટરની સરકાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.