///

દિલ્હી પોલીસની 9 સ્ટેડિયમોને અસ્થાયી જેલ બનાવવાની માગ કેજરીવાલ સરકારે નકારી

પંજાબના ખેડૂતોનું દિલ્હી ચલો માર્ચને લઈને દિલ્હી પોલીસ દ્વારા સરકારને સ્ટેડિયમને અસ્થાયી જેલમાં પરિવર્તીત કરવાની માગ કરવામાં આવી હતી, ત્યારે 9 સ્ટેડિયમને કામચલાઉ જેલમાં પરિવર્તીત કરવાની આ માગને દિલ્હીની કેજરીવાલ સરકારે નકારી દીધી છે.

દિલ્હી પોલીસે ખેડૂતોના પ્રદર્શનના પગલે કામચલાઉ જેલની માંગ કરી હતી. ત્યારે દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોની માગ યોગ્ય છે અને એવામાં તેમને જેલમાં નાખવા યોગ્ય નથી. દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈને એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગ યોગ્ય છે અને તેમની પ્રદર્શન અહિંસક રીતે થઈ રહ્યુ છે. શુક્રવારે સવારે ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હીની બોર્ડરે આવી ગયા હતા. તેના પછી દિલ્હી પોલીસે તૈયારી શરૂ કરી હતી.

મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી સરહદ પર છે અને તે દિલ્હીમાં પ્રવેશી શકે છે. એવામાં દિલ્હી પોલીસે રાજ્ય સરકારના કુલ નવ સ્ટેડિયમને કામચલાઉ જેલમાં પરિવર્તીત કરવાની માંગ કરી હતી. આથી જો ખેડૂતો દિલ્હીમાં એકઠા થાય તો તેમની સામે પગલાં લઈ શકાય.

દિલ્હી પોલીસની આ અપીલ પછી આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. આપના નેતા રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે, તે રાજ્ય સરકારને અપીલ કરે છે કે તેઓ પોલીસની અપીલ નકારે. રાઘવે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની વાત મૂકવાનો હક્ક છે અને તેમની સાથે ગુનેગાર જેવો વર્તાવ ન કરી શકાય.

નોંધનીય છે કે, ગઈકાલે હરિયાણા બોર્ડર પર ખેડૂતો પર વોટર કેનનથી મારો કરવામાં આવ્યો તો અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્રના કૃષિ કાયદાનો પણ વિરોધ કર્યો હતો. આપે પણ સંસદમાં આ કાયદાનો વિરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.