///

સોરઠની શાન એવા સાવજના રાજકોટમાં છેલ્લા 25 દિવસથી ધામા

રાજકોટમાં છેલ્લા 25 દિવસથી સોરઠની શાન ગણાતા એવા સાવજ મહેમાન બન્યા છે. રાજકોટમાં આવેલા સરધાર રેન્જના ગામડાઓમાં ત્રણ સિંહ જોવા મળ્યા છે. સિંહના આગમનને ફોરેસ્ટ વિભાગ નવા વિસ્તાર હોવાનું માનીને વનરાજાની પાછળ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે અહીં વસતા ખેડૂતો વનરાજાના આગમનને વધાવી તો રહ્યા છે, પરંતુ તેની સાથે દિવસે ખેતરમાં વીજળી આપવાની પણ માંગ કરી રહ્યાં છે. ગઈકાલે પડવલાની સીમમાં સિંહ જોવા મળ્યા હતા. ત્યારે સિંહના આગમનથી આ વિસ્તારના લોકોમાં એક તરફ ખુશી છવાઈ છે, તો બીજી તરફ ભયનો માહોલ પણ સર્જાયો છે.

રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા સરધાર રેન્જમાં છેલ્લા 25 દિવસથી વનરાજા મહેમાન બન્યા છે. ત્રણ સિંહોનું એક જુથ આ વિસ્તારમાં ફરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 20થી વધારે પશુઓનું મારણ પણ કરી ચૂક્યા છે. આ વિસ્તારના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારમાં આ સિંહોનું જુથ ફરી રહ્યું છે.

સિંહના આ વિસ્તારમાં ડેરા હોવાને કારણે ધરતીપુત્રો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. તો ખેડૂતોના કહેવા પ્રમાણે, આ વિસ્તારમાં સિંહ આવવાને કારણે ખેતરમાં રોજડા અને ભૂંડનો ત્રાસ દુર થયો છે. જે વિસ્તારમાંથી સિંહ પસાર થાય ત્યાં આસપાસના ખેતરોમાં ભુંડ અને રોજડા આવતા નથી. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક બચી જાય છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે વીજળી મળતી હોય છે. તેવામાં સિંહની અવરજવર વધતા ખેડૂતોમાં એક ભયનો માહોલ છે. ત્યારે આ વિસ્તારોમાં દિવસના વીજળી આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, છ મહિના પહેલા કરાયેલી સિંહની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 674 સામે આવી હતી, જેમાંથી એક અંદાજ પ્રમાણે 300 જેટલા સિંહ ગીર વિસ્તારમાં રહે છે. બાકીના સિંહ આસપાસના વિસ્તારમાં ફરે છે. જો કે હવે ગીરના જંગલોમાં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ઘટતા શિકારની શોધમાં બહાર આવી રહ્યા છે. સિંહપ્રેમીઓનું માનવું છે કે, સિંહ ખેડૂતોને મદદરૂપ થાય છે ત્યારે તેઓને નવા વિસ્તારમાં અનુકૂળ વાતાવરણ ફોરેસ્ટ વિભાગે પૂરું પાડવું જોઇએ. બીજી તરફ ફોરેસ્ટ વિભાગ પણ આ વાત માની રહ્યા છે કે ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે સિંહ નવા વિસ્તારની શોધમાં આવી રહ્યા છે. જો કે સિંહના સંવર્ધન માટે પુરતી સુવિધાઓ ઉભી થવી જરૂરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષો પહેલા સિંહ વસવાટ કરતા હતા. જો કે ત્યાર બાદ સિંહ અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ગીરના જંગલો પૂરતા સિમીત થઇ ગયા હતા. હવે સિંહોની સંખ્યા વધતા સિંહોનો વિસ્તાર પણ વધી રહ્યો છે. જેના કારણે સિંહો નવા વિસ્તારમાં આગળ આવી રહ્યા છે. જો કે સિંહોની આગમન સાથે ખેડૂતોમાં ભારે ભય જોવા મળી રહ્યા છે ત્યારે સરકારે સિંહો અને સિંહે પસંદ કરેલા વિસ્તારોમાં યોગ્ય સુવિધાઓ ઉભી કરવી એટલી જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.