///

દેશની રાજધાની દિલ્હીમાં ફરીથી લાગુ થઈ શકે છે લોકડાઉન

દેશમાં કોરોનાનો ખૌફ યથાવત છે, ત્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસને પગલે દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, અમે કેન્દ્ર સરકારને નાના સ્તર પર લોકડાઉન માટે એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં આંશિક લોકડાઉન હશે. આ સાથે જ કેજરીવાલે જ્યાં કોરોનાના કેસ સામે આવ્યા છે તે બજારો બંધ કરવાની પણ વાત કરી છે.

આ ઉપરાંત દિલ્હીમાં લગ્ન સમારોહમાં આપવામાં આવેલી 200 લોકોની મંજૂરીને પરત ખેંચી લેવામાં આવી છે. ત્યારે હવે લગ્ન સમારોહમાં માત્ર 50 લોકો જ સામેલ થઈ શકશે. સીએમ કેજરીવાલે કહ્યું કે, ભીડ વધતા બજારો પણ બંધ કરવામાં આવશે.

સ્વાસ્થ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની પીક વીતી ચૂકી છે. આથી લોકડાઉનની જરૂર નથી. તેમણે કહ્યું કે ,દિલ્હીની 29 ટકા જનતાનો અમે ટેસ્ટ કરી ચૂક્યા છે. આઈસોલેશનના કારણે કેસ નથી વધતા. દિલ્હીમાં 16500 બેડ કોરોના માટે છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં બેડની થોડી સમસ્યા છે કારણ કે બધા લોકો ખાનગી હોસ્પિટલોમાં જ સારવાર માટે જાય છે.

વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાની અંદર પોઝિટિવિટીનો દર 15 ટકાથી ઘટીને 13 ટકા થઈ ગયો છે. તો દિલ્હીમાં મૃત્યુદર 1.58 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર 1.48 ટકાની આજુબાજુ છે.

નોંધનીય છે કે, દિલ્હીમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. સોમવારે 24 કલાકમાં 3797 લોકો કોરોના સંક્રમિત થયા. અને 99 લોકોના જીવ ગયા. જો કે આટલા જ સમયમાં 3560 લોકો સાજા પણ થયા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,89,202 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 4,41,361 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 7713 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ 40,128 લોકોની સાારવાર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.