////

અષાઢી બીજે નગરચર્યાએ નીકળેલા ભગવાન મંદિરમાં થયા બિરાજમાન, જાણો પૂરી રાત બહાર વિતાવવા પાછળનું રોચક તથ્ય

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા 22 કિ.મી.નું અંતર 4 કલાકમાં પૂરું કરી નિજમંદિરે પરત ફર્યા હતા. ત્યારે કરફ્યૂગ્રસ્ત માહોલમાં ભક્તો વગર અમદાવાદમાં ગઈકાલે રથયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારે આજે ઐતિહાસિક જગન્નાથજીની 144મી રથયાત્રાની છેલ્લી વિધિ થઈ છે.

પૂરી રાત મંદિરની બહાર રખાયેલા ભગવાનને નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાનની નજર ઉતારી તેમને મંદિરમાં પ્રવેશ અપાયો હતો.

એવું માનવામાં આવે છે કે, નગરચર્યા બાદ ભગવાનને ભક્તોની મીઠી નજર લાગતી હોય છે. જેને પગલે ગર્ભગૃહમાં પ્રવેશ કરતા પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે. આ પહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથમાં જ ભગવાનની આરતી કરાઈ હતી.
જળયાત્રાથી રથયાત્રાની શરૂઆત થાય છે. તેમજ વિધિવત રીતે ત્રીજના દિવસે રથયાત્રા સંપન્ન થઈ કહેવાય છે. ભગવાનને મંદિરમાં લીધા બાદ તેમની મહાઆરતી કરાઈ હતી.

નગરચર્યા બાદ ભગવાનને રથમાં જ મંદિરની બહાર પૂરી રાત રાખવામાં આવે છે. આ પાછળ એક પૌરાણિક કથા છે. ભગવાન પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ જતા હોય છે. એવામાં તેમના વ્હાલા પત્ની રુકમણીજી રિસાય છે. નગરમાં ફરવા નીકળ્યા ત્યારે રૂકમણીજીને લઈને ન ગયા અને રૂકમણી રિસાયા હતા.

ભગવાન જગન્નાથજી રથયાત્રાએ પરત ફર્યા ત્યારે રૂકમણીજીએ દ્વાર ન ખોલ્યા અને ભગવાનને બહાર સુઈ રહેવું પડ્યું હતું. આ લોકવાયકાને પગલે આજે પણ ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે નગરચર્યા કરીને રાત્રે પરત ફરે ત્યાર પછી રથમાં જ શયન કરવું પડશે.

અમદાવાદમાં ગઈકાલે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી. જે સવારે 7ને 10 મિનિટે શરૂ થયેલી રથયાત્રા 10ને 50 મિનિટે પૂર્ણ થઈ હતી. ત્યારે પ્રથમ વાર રથયાત્રા આટલા ઓછા સમયમાં પૂરી કરાઈ હતી. કોરોનાકાળમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ કરવી તે મોટી ચેલેન્જ હતી, જે આખરે પાર પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.